ચેકડેમથી ‘નો માઇનિંગ ઝોન’ બનવાની ભીતિ, બ્લોક હોલ્ડરોમાં નિરાશા
સ્થળ બદલવાની માંગ સાથે મુખ્યમંત્રી, સિંચાઈ મંત્રી અને સચિવને રજૂઆત
પ્રતિનિધિ, સંખેડા | :
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં પંચેશ્વર મહાદેવ મંદિર નજીક ઉચ્છ નદી પર મંજૂર કરાયેલા ચેકડેમને લઈને વિવાદ ઊભો થયો છે. ગુજરાત માઇનિંગ ઇ-ઓક્શન બ્લોક એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રી, સિંચાઈ મંત્રી અને વિભાગીય સચિવ સમક્ષ ચેકડેમનું સ્થાન બદલવા માટે રજૂઆત કરવામાં આવી છે.
એસોસિયેશનના જણાવ્યા મુજબ, વર્ષ 2019થી ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા “Ease of Doing Business” અંતર્ગત ઉચ્છ નદી વિસ્તારમાં 45 સાદી રેતીના બ્લોક ઇ-ઓક્શન દ્વારા ફાળવવામાં આવ્યા હતા, જેમાંથી 9 બ્લોક કાર્યરત છે જ્યારે અન્ય બ્લોક પ્રક્રિયામાં છે. નાના વર્ગના બ્લોક હોલ્ડરોએ રોજગારી માટે અંદાજે 20થી 25 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું જણાવાયું છે.
પરંતુ હાલ મંજૂર કરાયેલા ચેકડેમના કારણે આ વિસ્તાર “No Mining Zone” બનવાની શક્યતા હોવાથી બ્લોક હોલ્ડરોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
એસોસિયેશન દ્વારા વધુમાં જણાવાયું છે કે ચેકડેમ માટે સ્થળ પસંદગી કરતી વખતે ભૂસ્તરશાસ્ત્રી અને ખાણ-ખનીજ વિભાગનો યોગ્ય અભિપ્રાય લેવામાં આવ્યો નહોતો. વિભાગ દ્વારા સૂચન કરાયું હતું કે સંખેડા–હાંડોદ બ્રિજની પાછળ આશરે 500 મીટર દૂર અન્ય યોગ્ય સ્થળ પસંદ કરવું જોઈએ.
એસોસિયેશને માંગ કરી છે કે હાલ મંજૂર કરાયેલ ચેકડેમ રદ કરીને નાગરવાડા, વેજલીયા, ઝાંપા, પીપળીયા અને ગુંદેર ગામની બાજુ સર્વે કરીને નવા સ્થળે ચેકડેમ બનાવવામાં આવે અથવા બ્લોકની મુદત પૂર્ણ થાય ત્યારબાદ વર્ષ 2030 પછી કામ હાથ ધરવામાં આવે.
બ્લોક હોલ્ડરોનું કહેવું છે કે ચેકડેમ બનવાથી સરકારને અંદાજે ₹150 કરોડ જેટલી રોયલ્ટી આવકનું નુકસાન થવાની શક્યતા છે અને જિલ્લા ખનિજ ફંડ હેઠળ થતા વિકાસ કાર્યો પર પણ અસર પડશે.
આ સાથે એસોસિયેશને ચેતવણી આપી છે કે જો માંગ પર યોગ્ય નિર્ણય નહીં લેવાય તો બ્લોક હોલ્ડરો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેમજ જરૂરી હોય તો કાનૂની કાર્યવાહી માટે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટનો દરવાજો ખખડાવશે. ⚖️
રિપોર્ટર: સુરેન્દ્રસિંહ ચાવડા