ગુજરાત મિત્ર ન્યુઝ
પ્રતિનિધિ : ગોધરા
એક તરફ રાજ્ય સરકાર માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયમોના કડક પાલન માટે સતત કાર્યવાહી કરી રહી છે, ત્યારે બીજી તરફ પંચમહાલ જિલ્લા પંચાયત કચેરીના પરિસરમાં જ આરટીઓના નિયમોનો સરેઆમ ભંગ થતો નજરે પડતાં અનેક સવાલો ઊભા થયા છે. ગોધરા ખાતે જિલ્લા પંચાયતના બીઆરજી ભવન પાછળ આવેલી સરકારી ઓફિસના પરિસરમાં એક કાળા રંગની સ્કોર્પિયો ગાડી ફેન્સી નંબર પ્લેટ અને આગળ ‘સરપંચ’ લખેલી નેમ પ્લેટ સાથે ઉભેલી જોવા મળી હતી.
🚗 સરકારી પરિસરમાં જ બિન્દાસ નિયમભંગ
મોટર વ્હીકલ એક્ટ અને આરટીઓના નિયમો અનુસાર વાહનો પર માત્ર નિયત ફોર્મેટ મુજબની નંબર પ્લેટ જ માન્ય છે તેમજ હોદ્દો દર્શાવતી નેમ પ્લેટ લગાવવા પર સ્પષ્ટ પ્રતિબંધ છે. તેમ છતાં આ ગાડી પર ફેન્સી નંબર પ્લેટ અને સરપંચ લખેલું બોર્ડ ખુલ્લેઆમ દેખાતા લોકોમાં ચર્ચાનો દોર શરૂ થયો છે.
❓ કાયદાનો ડર નથી કે પછી છૂટછાટ?
સરકારી કચેરીના પરિસરમાં જ આ પ્રકારની ગાડી બિન્દાસ ઊભી રહેતી હોવા પાછળ કોઈ કાર્યવાહી ન થવાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે સામાન્ય નાગરિક દ્વારા નાનકડો નિયમભંગ થાય તો તરત દંડ ફટકારવામાં આવે છે, તો પછી આ ગાડી સામે કેમ કોઈ પગલાં લેવાતા નથી? શું ‘સરપંચ’ લખી દેતાં જ કાયદામાંથી મુક્તિ મળી જાય છે?
⚠️ ગુનાહિત ઘટનામાં ઓળખ બનશે મુશ્કેલ
ફેન્સી નંબર પ્લેટ અને બિનઅધિકૃત બોર્ડવાળા વાહનો કાયદાની દૃષ્ટિએ ગંભીર ચિંતાનો વિષય છે. આવી ગાડીઓ કોઈ ગુનાહિત કે અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાય તો તેની ઓળખ કરવી મુશ્કેલ બની શકે છે, જેના કારણે તપાસમાં અડચણ ઊભી થાય છે.
🕵️♂️ ગાડી કોની? સાચો સરપંચ કોણ?
લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે આ ગાડી કોની માલિકીની છે? ‘સરપંચ’ બોર્ડ લગાવનાર વ્યક્તિ ખરેખર કયા ગામનો સરપંચ છે કે પછી આ માત્ર દાદાગીરી દર્શાવવાનો પ્રયાસ છે? જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી કોના માથે જશે?
🏛️ તંત્રની બેવડી નીતિ પર સવાલ
આ ઘટના જિલ્લા પંચાયત કચેરીના પરિસરમાં બનતાં સરકારી તંત્રની બેવડી નીતિ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. એક તરફ કાયદાના કડક અમલની વાતો થાય છે અને બીજી તરફ સરકારી બાબુઓની આંખ નીચે જ નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો રહે છે.
📢 RTO અને વહીવટી તંત્ર સામે લોકમાગણી
આ મામલે આરટીઓ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી ગાડીના માલિક સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવે અને દંડ ફટકારવામાં આવે તેવી લોકમાગણી તેજ બની છે. દોષિતો સામે કડક પગલાં લેવાય તે હવે સમયની માંગ બની છે.