પ્રતિનિધિ ગોધરા તા.27
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા પાનમ ડેમના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમનો એક દરવાજો 0.3 મીટર જેટલો ખોલવામાં આવ્યો છે. આ પગલાંને પગલે શહેરા તેમજ મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ગ્રામજનોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

ગત સાંજથી પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાની જીવાદોરી સમાન શહેરા તાલુકાના કોઠા ગામ પાસે આવેલા પાનમ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની નવી આવક નોંધાઈ છે. ડેમનું હાલનું FRL 127.41 મીટર છે અને હાલનું જળ સ્તર 125.4 મીટર પર પહોંચ્યું છે. ડેમમાં હાલ કુલ જળ જથ્થો 4449.223 ઘન મીટર નોંધાયો છે. ડેમમાં પાણીની આવક 3850 ક્યુસેક છે જ્યારે પાણીનો નિકાલ 1975 ક્યુસેક છે.
જેથી પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવતા શહેરા તાલુકાના રમજીના નાળ, કોઠા, ઉંડારા, મોર અને બલુજીના મુવાડા સહિતના ગામો તેમજ લુણાવાડા તાલુકાના નીચાણવાળા વિસ્તારોને ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લાના હાલોલ, શહેરા, કાલોલ, ગોધરા અને ઘોઘંબા સહિતના તમામ તાલુકાઓમાં ગઈ કાલ સાંજથી નોંધપાત્ર વરસાદ પડ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના રહીશોને નદી કિનારે ન જવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.