પ્રતિનિધિ ગોધરા તા.29
પંચમહાલ-ગોધરા SOG પોલીસે અમદાવાદના અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલા ₹૧૬,૩૯,૦૦૦/- ની કિંમતના જુદી જુદી કંપનીઓના કુલ ૬૮ નંગ ટાયર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, SOG પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. વહોનીયા અને બી.કે. ગોહિલની ટીમે વોચ ગોઠવી હતી. હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રકુમાર રાયસિંહને મળેલી બાતમીના આધારે, ગોધરાના રાજન મસ્જીદ, મૌલાના આઝાદ રોડ પર રહેતા સુફીયાન મહેબુબ કઠડીને તેની આઇસર ગાડી નંબર GJ-09-Z-2690 માંથી ૫૭ નંગ નવા ટાયર સાથે પકડી પાડવામાં આવ્યો હતો.
સુફીયાન પાસે ટાયરોના બિલ માંગતા તેણે પોતાની પાસે બિલ ન હોવાનું જણાવ્યું હતું અને આ ટાયરો તેને સલમાન અબ્દુલરઉફ સબુરીયા રહે. કેપ્સુલ પ્લોટ, વેજલપુર રોડ, ગોધરાએ આઇશર ગાડીમાં ભરાવ્યા હોવાનું કબૂલ્યું હતું. ટાયરો ચોરી અથવા છેતરપિંડીથી લાવ્યા હોવાનો પાકો શક હોવાથી પોલીસે આઇસર ગાડી, ૫૭ ટાયર અને મોબાઈલ ફોન મળી કુલ ₹૧૯,૯૧,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને સુફીયાન મહેબુબ કઠડીને અટક કરવામાં આવ્યો હતો.
વધુ પૂછપરછ દરમિયાન સુફીયાને જણાવ્યું કે સલમાન સબુરીયાએ અન્ય ૧૧ ટાયર ગોધરાના સીમલા વિસ્તારમાં મુકાવ્યા હતા. પોલીસે સીમલા વિસ્તારમાંથી આ ૧૧ ટાયર પણ કબજે કર્યા હતા.
તપાસ કરતા બહાર આવ્યું કે આ તમામ ટાયર અમદાવાદ જિલ્લાના અસલાલી ખાતે આવેલા અંબિકા ટ્રેડર્સના ગોડાઉનમાંથી તા. ૨૩/૦૭/૨૦૨૫ ના રોજ ચોરાયા હતા, જે અંગે અસલાલી પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. પંચમહાલ-ગોધરા SOG પોલીસે અસલાલી પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.