નાણાં વિભાગની મંજૂરી બાદ પણ ભરતી અટકતા ગોધરામાં ઉમેદવારોની રજૂઆત
ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના શિક્ષણના હિતમાં શિક્ષકોની ભરતી કરવા માંગ
પ્રતિનિધી ગોધરા તા.07
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો દ્વારા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા ઝડપથી શરૂ કરવા માટે જિલ્લા કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ઉમેદવારોએ રજૂઆત કરી હતી કે, રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા એપ્રિલ-૨૦૨૫માં જ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી ૧૪૦૦ જેટલી જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આમ છતાં, હજુ સુધી આ અંગેની કોઈ જાહેરાત કે પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. રાજ્યમાં સામાન્ય ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને કચ્છની સ્પેશિયલ ભરતી પણ પૂર્ણ થવાના આરે છે ત્યારે ગ્રાન્ટેડ શાળાઓની મંજૂર થયેલી જગ્યાઓ પણ સત્વરે ભરવામાં આવે તેવી માંગ ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે.
વધુમાં રજૂઆત કરવામાં આવી હતી કે, લાંબા સમય બાદ ભરતી પ્રક્રિયા હાથ ધરાતી હોવાથી મેરિટ ઘણું ઊંચું રહ્યું છે. ગણિત-વિજ્ઞાન જેવા વિષયોમાં ઊંચા ગુણ ધરાવતા અનેક લાયક ઉમેદવારો હજુ પણ નોકરીથી વંચિત છે. જો ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવે તો ઉચ્ચ મેરિટ ધરાવતા ઉમેદવારોને ન્યાય મળી શકે છે.
ઉમેદવારોએ વધુમાં જણાવ્યું હતું કે, અનુદાનિત શાળાઓ અને આશ્રમશાળાઓમાં મુખ્યત્વે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ કરે છે. આ શાળાઓમાં વિષય નિષ્ણાત શિક્ષકોના અભાવે શિક્ષણ પર અસર પડી રહી છે. તેથી, વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને અને લાયક ઉમેદવારોને તક મળે તે હેતુથી સત્વરે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.