આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સેવા કાર્યની મહત્વપૂર્ણ સિદ્ધિ
12 વર્ષમાં લાખો મહિલાઓને સલાહ, માર્ગદર્શન અને રેસ્ક્યૂ દ્વારા મદદ
કાલોલ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચના અવસરે 181 અભયમ મહિલા હેલ્પલાઇનને પંચમહાલ જિલ્લામાં સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ થયા છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ તથા EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંકલનથી 8 માર્ચ 2015ના રોજ આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી, જે આજે મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
હેલ્પલાઇન શરૂ થયાથી ફેબ્રુઆરી 2026 સુધીના 12 વર્ષમાં રાજ્યભરમાં 18,19,913થી વધુ મહિલાઓને સલાહ, માર્ગદર્શન અને તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવી છે. ઉપરાંત અભયમ રેસ્ક્યૂ વાન દ્વારા 3,60,964થી વધુ મહિલાઓને ઘટના સ્થળે પહોંચી મદદ આપવામાં આવી છે, જ્યારે 2,29,660 જેટલા કિસ્સામાં સ્થળ પર જઈ રેસ્ક્યૂ કરી મહિલાઓને લાંબા ગાળાના કાઉન્સેલિંગ માટે સરકારી સંસ્થાઓ સુધી પહોંચાડવામાં આવી છે.
પંચમહાલ જિલ્લામાં હેલ્પલાઇન શરૂ થયા પછી અત્યાર સુધીમાં 68,757 જેટલા કોલ પ્રાપ્ત થયા છે, જેમાંથી 13,079 કિસ્સાઓમાં ટીમે ઘટના સ્થળે પહોંચી મહિલાઓને જરૂરી માર્ગદર્શન અને બચાવ કામગીરી કરી છે.
રાજ્યમાં મહિલાઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 181 અભયમ હેલ્પલાઇન હેઠળ કુલ 59 રેસ્ક્યૂ વાન 24 કલાક કાર્યરત છે. તાલીમબદ્ધ મહિલા કાઉન્સેલર, મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને GPS ટ્રેકિંગ જેવી આધુનિક સુવિધાઓ સાથે આ સેવા ઝડપી પ્રતિસાદ આપી મહિલાઓને મુશ્કેલીના સમયે મદદરૂપ બની રહી છે.
મહિલાઓ સામે થતી ઘરેલું હિંસા, છેડતી, જાતીય સતામણી, લગ્નજીવનના વિખવાદો, માનસિક તણાવ અને અન્ય સમસ્યાઓમાં 181 હેલ્પલાઇન આજે એક વિશ્વાસપાત્ર સહાયક તરીકે ઉભરી છે. સંકટના સમયમાં તાત્કાલિક મદદ પૂરી પાડતી આ સેવા મહિલાઓ માટે સાચી સખી અને સહેલી બની રહી છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા