૧૨મી જાન્યુઆરીએ કિસાન સંઘ ગાંધીનગર ગજવશે
પ્રતિનિધિ ગોધરા તા.05
પંચમહાલ જિલ્લામાં ઓક્ટોબર-૨૦૨૫માં થયેલા કમોસમી વરસાદ બાદ જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજમાં મોટાપાયે અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે ભારતીય કિસાન સંઘે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. આગામી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ને સોમવારના રોજ ગાંધીનગરના સેક્ટર-૧૭ ખાતે વિધાનસભા સામે ખેડૂતો વિશાળ શક્તિ પ્રદર્શન કરશે.

સંઘના હોદ્દેદારોએ મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે જિલ્લામાં અંદાજે ૬૦,૦૦૦ જેટલા અસરગ્રસ્ત ખેડૂતોએ સહાય માટે ઓનલાઈન અરજી કરી હતી. પરંતુ જિલ્લા ખેતીવાડી અધિકારીની કથિત મનસ્વી કામગીરીને કારણે માત્ર ૪૨,૦૦૦ અરજીઓ જ માન્ય રખાઈ છે.જેના પરિણામે ૧૮,૦૦૦ જેટલા સાચા ખેડૂતો હક્કની સહાયથી વંચિત રહી ગયા છે. આ ઉપરાંત અન્ય ૨૩ જેટલી પડતર માંગણીઓ જેવી કે ખાનગી કૃષિ કોલેજોને મંજૂરી આપતા પરિપત્ર રદ કરવા વારસદારોને સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ, ટોલટેક્સમાં ૨૦ કિમી સુધી સ્થાનિકોને રાહત અને વીજ ટાવર માટે જમીનનું યોગ્ય વળતર આપવા મુદ્દે સરકાર સામે મોરચો માંડવામાં આવશે. કિસાન સંઘના પ્રમુખ ખુમાનસિંહ ચૌહાણ અને મહામંત્રી સુરેન્દ્રસિંહ રાઉલજીની આગેવાનીમાં જિલ્લાભરમાંથી હજારો ખેડૂતો આ રેલીમાં જોડાઈને સરકારની નીતિ સામે અવાજ ઉઠાવશે.