Godhra

પંચમહાલમાં ઉત્તરાયણની વહેલી સવારે ઘાટા ધુમ્મસની ચાદર છવાઈ

દ્રશ્યતા ઘટતાં વાહનચાલકોને ભારે હાલાકી, પતંગોત્સવના ઉત્સાહ પર પડી અસર


પ્રતિનિધિ, ગોધરા તા.14
પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં ઉત્તરાયણના પર્વની વહેલી સવારે કુદરતનું અનોખું સ્વરૂપ જોવા મળ્યું હતું. તહેવારના ઉત્સાહમાં વહેલી સવારે પતંગો લઈને પોતાના મકાનોની છત પર પહોંચેલા લોકો આકાશ અને આસપાસના વાતાવરણમાં છવાયેલા ઘાટા ધુમ્મસને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં ધુમ્મસનું પ્રમાણ એટલું વધુ હતું કે દ્રશ્યતા નહિવત થઈ ગઈ હતી. આ અસાધારણ ધુમ્મસને કારણે માર્ગો પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા પર આગળનું કંઈ પણ સ્પષ્ટ દેખાતું ન હોવાથી અકસ્માતથી બચવા માટે વાહનચાલકોને પોતાના વાહનોની લાઈટો ચાલુ રાખી અત્યંત ધીમી ગતિએ મુસાફરી કરવાની ફરજ પડી હતી.

સવારના સમયે સૂર્યદેવના દર્શન પણ ધુમ્મસને કારણે મોડા થયા હતા, જેના કારણે પતંગબાજીના ઉત્સાહ પર થોડી અસર જોવા મળી હતી. વાતાવરણમાં અચાનક છવાયેલી ધુમ્મસની ચાદરથી સમગ્ર પંથકમાં ઠંડકનું મોજું ફરી વળ્યું હતું. જોકે, જેમ જેમ દિવસ ચઢતો ગયો તેમ ધુમ્મસ હટવા લાગ્યું અને ત્યારબાદ પતંગરસિયાઓએ આકાશમાં પતંગો ચગાવવાનો આનંદ લીધો હતો.

Most Popular

To Top