વહેલી સવારે ધુમાડાના ગોટેગોટા દેખાતા લોકોમાં ભયનો માહોલ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ (GFL) કંપનીમાં ફરી એકવાર ગેસ લિકેજની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે કંપનીના પ્લાન્ટમાંથી અચાનક ગેસ લિકેજ થતાં આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેને પગલે સ્થાનિક રહીશોમાં ચિંતા વ્યાપી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વહેલી સવારે રણજીતનગર GFL કંપનીમાં પ્રક્રિયા દરમિયાન ગેસ લિકેજ થયો હતો. લિકેજને કારણે નીકળેલા ધુમાડા દૂર સુધી નજરે પડ્યા હતા. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે અફરાતફરી સર્જાઈ ન હતી, પરંતુ વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે આસપાસના ગામોના લોકોમાં સ્વાભાવિક ડર જોવા મળ્યો હતો.
સ્થાનિકોના મતે કંપનીમાં સમયાંતરે ગેસ લિકેજની ઘટનાઓ બનતી રહે છે. અગાઉ પણ અહીં બ્લાસ્ટ અને લિકેજની ઘટનાઓ બની ચૂકી છે. વારંવારની આવી સ્થિતિને કારણે લોકો પોતાના સ્વાસ્થ્ય અને સલામતીને લઈને ચિંતિત બન્યા છે.
આ ઘટના બાદ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ફરીથી ગેસ લિકેજ થયો છે, જેનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. અહીંથી વારંવાર ગેસ લિકેજ થતો હોવાથી, જનહિતમાં અમે વહીવટી તંત્રને અપીલ કરીએ છીએ કે આ કંપનીને કાયમી ધોરણે બંધ કરવામાં આવે.”