વડોદરા તા.24
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સયાજી કાર્નિવલ બાળ મેળાનું આયોજન તા.26 થી 28 જાન્યુઆરી દરમિયાન સયાજીબાગ ખાતે કરવામાં આવ્યું છે. જોકે હરણી લેક ઝોન દુર્ઘટનાને પગલે સયાજી કાર્નિવલમાં એડવેન્ચર ઝોનમાંથી સાવચેતીના ભાગરૂપે અમુક રમતો રાખવામાં આવી નથી. જ્યારે હાલ વધી રહેલા હ્ર્દય રોગના હુમલાના બનાવોને લઈ જાગૃતતા ફેલાવવા સીપીઆર અ લાઈફ જેવો અગત્યનો પ્રોજેકટ બાળ મેળામાં નિદર્શીત કરવામાં આવશે.સયાજીબાગ એકવેરિયમ પાસેના મેદાનમાં આજે 4:00 કલાકે બાળમેળાનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવશે.
તા.26 થી 28 જાન્યુઆરી દરમિયાન સયાજીબાગ ખાતે 51 મો બાળમેળો સયાજી કાર્નિવલનું આયોજન કરાયું છે. આ વખતે પણ બાળમેળામાં નવીન અને આધુનિક શૈક્ષણિક પ્રોજેક્ટ શુદ્ધ અને સાત્વિક નાસ્તો સાંસ્કૃતિક કાર્યક્રમો મનોરંજન વિભાગ કલા વિભાગ તથા ખાસ કરીને આ વર્ષે બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો જેમાં મહાનુભાવો સાથે ટોક શો, અંતાક્ષરી ,કેબીસી અને ટેલેન્ટ હન્ટ જેવા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને મહાનુભાવો સાથે વિદ્યાર્થીઓ સંવાદ કરશે. આ ઉપરાંત બાળમેળામાં બાળકો માટે તથા નગરજનો માટે મનોરંજન વિભાગમાં કઠપૂતળીનો ખેલ, કાર્ટુન કેરેક્ટર્સ, મોગલી વોક જેવા આનંદ પ્રમોદના વિભાગો આકર્ષણનું કેન્દ્ર બનશે. સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ની 119 પ્રાથમિક શાળાઓ ચાર માધ્યમિક શાળાઓ તથા 97 બાલવાડીઓના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ જેવી કે શૌર્ય ગીત ,ફોક ડાન્સ, ગરબા રાસ, રાજસ્થાની નૃત્ય તથા મુક્ત ડાન્સ જેવી દરરોજે 50 કૃતિઓ રજૂ થશે. કલા વિભાગમાં શીધ્ર ચિત્ર સ્પર્ધા તથા ચાલો શબ્દની મોજમાં જેવા અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શૈક્ષણિક પ્રોજેક્ટ ની કૃતિઓ જેવી કે આધુનિક સાંપ્રત પ્રવાહો તથા ભાષા સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનના અવનવા પ્રોજેક્ટ સમિતિના બાળકો અને બાલવાડીના બાળકો દ્વારા કરવામાં આવશે. આ સાથે આજના સમયમાં યુવાનોથી માંડીને તમામ લોકોમાં હૃદય રોગનું પ્રમાણ વધવા માંડ્યું છે ત્યારે આ સંજોગોમાં વ્યક્તિને બચાવવા માટે જાગૃતતા ફેલાવવા સીપીઆર અ લાઈફ લાઈન જેવો અગત્યનો પ્રોજેક્ટ આ બાળમેળામાં નિદર્શિત કરવામાં આવશે. તેમજ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે અભ્યાસક્રમમાં આવેલા બદલાવને રજૂ કરતો પ્રોજેક્ટ શિક્ષણમાં શ્રીમદ ભગવદ ગીતા અને ભારત દેશના અંતરીક્ષ કાર્યક્રમનું એક અગત્યનું મિશન આદિત્ય એલ વન સેટેલાઈટ નામે પ્રોજેક્ટ પણ મૂકવામાં આવશે. આ બાળમેળાના સમગ્ર કાર્યક્રમનું સંચાલન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિવિધ શાળાના બાળકો દ્વારા કરવામાં આવનાર છે.
ન.પ્રા.શિ.સ.દ્વારા ત્રિદિવસીય 51મા બાળ મેળાનુ આયોજન
By
Posted on