ગયા સપ્તાહનો મારો લેખ પૂરો કરતાં પહેલા મેં બે વાત કહી હતી. એક તો એ કે જ્યારે કોઈ ચીજની જરૂર હોય તો તેનો વિકલ્પ શૂન્યમાંથી પણ પેદા થાય અને ઉપલબ્ધ વિકલ્પને પાતાળમાં દફનાવી દો તો પણ એ કોળાય. કારણ કે સમાજને તેની જરૂર છે. સૃષ્ટિનો આ નિયમ છે. બીજી વાત મેં એ કહી હતી કે કોંગ્રેસને બેઠી કરવાનો શ્રેય રાહુલ ગાંધી કરતાં ભાજપને વધુ જાય છે.
કોંગ્રેસને દાયકાઓ સુધી હાંસિયામાં ધકેલી દેવી હોય તો બે વિકલ્પ હતા. એક, સંઘ પરિવારને અભિપ્રેત હિંદુ ભારતની કલ્પના પ્રજા પાસે સ્વીકૃત કરાવવી જે રીતે ન્યાય અને સમાનતા આધારિત સહિયારા ભારતની કલ્પના મહાત્મા ગાંધીએ, જવાહરલાલ નેહરુએ અને બીજા ભારતીય નેતાઓએ સ્વીકૃત કરાવી હતી. એ વ્યાપક સ્વીકૃતિને કારણે કોંગ્રેસે દાયકાઓ સુધી રાજ કર્યું હતું. અને બીજો વિકલ્પ હતો પ્રજાને કોંગ્રેસ પાસેથી જેવા શાસનની અપેક્ષા હતી અને કોંગ્રેસનાં શાસકો નહોતા આપી શક્યા એવું શાસન આપવું.
અપેક્ષાની પૂર્તિ કરવી. જો દૂરંદેશી ધરાવનારા હિન્દુત્વવાદી શાસકો હોય તો આ બન્ને કરે. પ્રજાલક્ષી ઉત્તમ શાસન પણ આપે અને પોતાની કલ્પનાના ભારતને સ્વીકૃત પણ કરાવે. આ સિવાય સાદગી, પારદર્શકતા અને પ્રામાણિકતાનો પરિચય કરાવે. એવું પણ બન્યું હોત કે ઉત્તમ શાસન દ્વારા અને શાસકોનાં આચરણ દ્વારા હિંદુ ભારતની કલ્પના સ્વીકૃત કરાવવામાં સહાયતા મળી હોત.
સંઘ પરિવારને 2014માં સુવર્ણ અવસર મળ્યો હતો જેની તેઓ દાયકાઓથી રાહ જોતા હતા. પણ 18મી સદીમાં જેમ હિંદુ પેશ્વાઓ દેશ પર રાજ કરવાનો સુવર્ણ અવસર ચૂકી ગયા તેમ 21મી સદીમાં હિંદુત્વવાદીઓ ચૂકી ગયા. તેની જગ્યાએ તેમણે કોંગ્રેસ સામેની નારાજગીને નફરતમાં ફેરવવાનો, કોંગ્રેસી નેતાઓને બદનામ કરવાનો, ગોદી મીડિયા અને ગોદીવૂડ દ્વારા ખોટો પ્રચાર કરવાનો, કોંગ્રેસને નિર્બળ કરવાનો, રાહુલ ગાંધીની ઠેકડી ઉડાડવાનો, લોકતાંત્રિક વિકલ્પોને રૂંધવાનો, પોતે કેવા ઐશ્વર્યવાન છે તેના દેખાડા કરવાનો, લોકોને આંજી દેવાની ચેષ્ટા કરવાનો માર્ગ અપનાવ્યો. ન ઉત્તમ શાસન આપ્યું, ન ઉમદા માણસાઈનો પરિચય કરાવ્યો કે ન વૈકલ્પિક ભારતની કોઈ કલ્પના રાખી. આ જ એકમાત્ર માર્ગ હતો કોંગ્રેસને દાયકાઓ સુધી સત્તાથી દૂર રાખવાનો, જે અપનાવવામાં ન આવ્યો.
સરકારે જે માર્ગ અપનાવ્યો એ જોઇને મને જરાય આશ્ચર્ય નથી થતું. ગુજરાતમાં પણ તેમણે થોડેઘણે અંશે આ જ માર્ગ અપનાવ્યો હતો. આશ્ચર્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે થાય છે. તેના નેતાઓ માટે થાય છે. કોઈએ ઉંહકારો નથી કર્યો કે આપણે ખોટે માર્ગે જઈ રહ્યા છીએ. આપણે તક ગુમાવી રહ્યા છીએ. આપણે નરવા હિંદુ રાષ્ટ્ર (જો એ શક્ય હોય તો) લોકોમાં સ્વીકૃત કરાવવા પ્રયત્નો કરવા જોઈએ. ચર્ચા યોજવી જોઈએ. શંકા કરનારાઓની શંકાનું નિવારણ કરવું જોઈએ. શાસકોએ તેમના આચરણ દ્વારા આદર્શ હિંદુ નેતા કેવો હોય તેનો દાખલો બેસાડવો જોઈએ. ગરીબોનું કલ્યાણ કરવું જોઈએ કારણ કે ગરીબોમાં 80% હિંદુઓ છે. મને હવે ખાતરી થઈ ગઈ છે કે તેમની પાસે નરવા હિંદુ રાષ્ટ્રની કોઈ કલ્પના જ નથી. તેમની કલ્પનાનું હિંદુ રાષ્ટ્ર માથાભારે હિંદુ રાષ્ટ્ર છે જેનો અનુભવ થઈ રહ્યો છે.
આ બાજુ રાહુલ ગાંધી ઝંઝાવાતની વચ્ચે કશાકની શોધમાં હતા. તેમને બદનામ કરવામાં આવ્યા હતા, ઠેકડી ઉડાડવામાં આવતી હતી, લોકોએ રાજકીય વિકલ્પ તરીકે તેમના નામનું નાહી નાખ્યું હતું, કોંગ્રેસનો સર્વત્ર પરાજય થઈ રહ્યો હતો, કોંગ્રેસીઓ પક્ષ છોડીને BJPમાં જતા હતા, રાજ્ય સરકારોને તોડવામાં આવતી હતી, લોકસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું, પક્ષને મળતાં નાણાંના સ્રોત બંધ કરી દેવામાં આવ્યા હતા વગેરે વગેરે. દુશ્મનને પણ આવા દિવસો જોવા ન પડે એમ આપણે કોઈનું દુઃખ જોઇને કહીએ છીએ એવા દિવસો રાહુલ કાઢતા હતા.
પહાડ જેવો પડકાર હોવા છતાં અને ઠેકડીનો વિષય હોવા છતાં રાહુલ ગાંધી તૂટ્યા નહીં એ માટે આપણે તેમને સલામ કરવી જોઈએ. બીજો હોય તો ભાંગી પડે. રાહુલ ગાંધી હાર્યા વિના માર્ગ શોધવાનો પ્રયાસ કરતા રહ્યા. પહેલાં તેમણે રાજકીય નેતાઓ અપનાવે છે એવો પરંપરાગત માર્ગ અપનાવ્યો. બીજા પક્ષો સાથે સમજૂતી કરવાનો અને હિંદુઓ નારાજ ન થાય એનું ધ્યાન રાખવાનો. મંદિરોમાં જવાનો અને ટીલાટપકાં કરવાનો. તેઓ BJPની પીચ પર રમતા હતા અને તેમને સફળતા મળતી નહોતી.
2019ની લોકસભાની ચૂંટણી પછી NRC (નેશનલ રજીસ્ટ્રેશન ઓફ સિટીઝન)ની જોગવાઈ સામે લોકોએ કરેલું આંદોલન, એ પછી ખેડૂતોએ કરેલું આંદોલન અને બીજાં કેટલાંક આદોલન જોઇને તેમને બે વાત સમજાઈ ગઈ.
એક તો એ કે તમામ હિંદુ હિંદુ રાષ્ટ્રના સમર્થક નથી. એનઆરસીનો વિરોધ મુસલમાનો કરતાં હિંદુઓએ વધારે કર્યો હતો. સરકાર સમર્થન કરનારા હિંદુઓ કરતાં તેમનો વિરોધ કરનારા હિંદુઓ ઘણી મોટી સંખ્યામાં છે.
તેમના ધ્યાનમાં એ પણ આવ્યું કે જે લોકો સરકારનો વિરોધ કરી રહ્યા છે એ સહિયારા ભારતને બચાવવા માગે છે અને માટે વિરોધ કરી રહ્યા છે.
આનો અર્થ એ થયો કે સેક્યુલર ઉદારમતવાદી હિંદુઓની સંખ્યા આ દેશમાં હિન્દુત્વવાદી હિંદુઓ કરતાં ઘણી વધુ છે. આ બાજુ BJPનું જે હિન્દુત્વ છે એ માથાભારે છે. બીજી વાત તેમને એ સમજાઈ ગઈ કે અત્યારનું શાસન અને શાસનનું સ્વરૂપ જેટલા પ્રશ્નો ઉકેલે છે એનાં કરતાં વધુ પેદા કરે છે. દેખાડો, ખોટા વાયદાઓ, જુઠાણા, બીજાની જગ્યા આંચકી લેનારી અંચાઈ, પસંદગીના ઉદ્યોગપતિઓને કરવામાં આવતી ઊઘાડી મદદ, અર્થતંત્ર તરફ દુર્લક્ષ, લોકતાંત્રિક મર્યાદાઓનું ઉલ્લંઘન અને ચીને કરેલું મર્દાનગીનું પંક્ચર વગેરેનો બચાવ હિન્દુત્વવાદી હિંદુઓ પણ નથી કરી શકતા. ગોદી મીડિયા પણ ધ્યાન ભટકાવવાની કોશિશ કરે છે, બચાવ નથી કરી શકતા.
રાહુલ ગાંધીએ હિંદુઓની સંભવિત નરાજગીની ચિંતા કર્યા વિના તીર સીધું સાવરકર-સંઘના હિંદુરાષ્ટ્રની કલ્પના સામે જ તીર મારવાનું શરુ કર્યું. ભારતની એક કલ્પના ગાંધીજીની છે અને બીજી સાવરકરની. ગાંધીજીની કલ્પનાના ભારતના પાયામાં ન્યાય છે, સમાનતા છે, મર્યાદા છે, સંયમ છે અને બંધારણ છે. સાવરકરની કલ્પનાનાં ભારતમાં હિંદુઓનું (સવર્ણ હિંદુ પુરુષ વાંચો) સર્વોપરીપણું છે જે માર્ગ માથાભારે હિંદુ રાષ્ટ્ર સુધી લઈ જાય છે. આગળ કહ્યું એમ વિવેકી હિંદુઓ હિંદુ રાષ્ટ્રના વિરોધી છે અને તેમની સંખ્યા મોટી છે.
કોંગ્રેસ અને રાહુલ ગાંધીનું કોઈ અસ્તિત્વ જ નહીં બચ્યું હોય ત્યાં સહિયારા ભારતની વકીલાત કરશે કોણ એમ સંઘ માનતા હતો. તેઓ એ ભૂલી ગયા કે સહિયારા ભારતની દેશને જરૂર છે, તેની પ્રાસંગિકતા છે, બહુમતી હિંદુઓ તેને શોધે છે, બચાવી લેવા માગે છે, તેને માટે તેઓ લડે છે અને તેના પ્રવક્તા તરીકે તેનો સીધો લાભ રાહુલ ગાંધીને મળી રહ્યો છે. ઉદારમતવાદી હિંદુઓને રાહુલ ગાંધીનો ખપ છે. માટે પ્રારંભમાં કહ્યું એમ જ્યારે કોઈ ચીજની જરૂર હોય તો તેનો વિકલ્પ શૂન્યમાંથી પણ પેદા થાય અને ઉપલબ્ધ વિકલ્પને પાતાળમાં દફનાવી દો તો પણ એ કોળાય. કારણ કે સમાજને તેની જરૂર છે. સૃષ્ટિનો આ નિયમ છે.