પ્રતિનિધિ, વડોદરા તા. 2
વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર બંધ કરાયેલ મિડિયન કટનું ડિવાઇડર અજાણ્યા શખ્સોએ ફરી તોડી નાખતાં સુરક્ષા અને કાયદાની અમલવારી અંગે પ્રશ્નો ઊભા થયા છે. વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને પોલીસ અને પાલિકા દ્વારા સંયુક્ત કામગીરી કરી શહેરના ગેરકાયદેસર મિડિયન કટ બંધ કરવામાં આવ્યા હતા. તેમ છતાં, સાધુ વાસવાણી સ્કૂલ નજીકનો કટ વારંવાર તોડવામાં આવતો હોવાને કારણે ચિંતા વધી છે.
પોલીસ કમિશનરના નિર્દેશ બાદ શહેરભરમાં મિડિયન કટની સમીક્ષા કરવામાં આવી હતી. હોસ્પિટલ, હોટલ, સ્કૂલ અને સોસાયટીઓ પાસે ગેરકાયદે બનાવાયેલા અનેક કટ બંધ કરવામાં આવ્યા હતા. ન્યુ વીઆઇપી રોડ પરનો કટ પણ પાલિકા દ્વારા ખર્ચ કરીને પૂરાયો હતો. પરંતુ કેટલાક તત્વોએ ડિવાઇડર તોડી ફરીથી અવરજવર શરૂ કરી દીધી હતી.
પાલિકાએ તાજેતરમાં ફરી ડિવાઇડર બનાવી કટ બંધ કર્યો હતો, છતાં ફરી તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. હાલ પ્રાથમિક ધોરણે આડાસ મૂકી રસ્તો બંધ કરવામાં આવ્યો છે, છતાં કેટલાક લોકો ત્યાંથી અવરજવર કરી રહ્યા છે.
સ્થાનિકોમાં ચર્ચા છે કે શું કોઈ ગંભીર અકસ્માત બાદ જ કાયમી ધોરણે કટ બંધ કરાશે? વારંવાર સરકારી મિલકતને નુકસાન પહોંચાડનાર સામે કાર્યવાહી કેમ થતી નથી?
મહત્વનું એ છે કે કટ નજીક સીસીટીવી કેમેરા લાગેલા હોવા છતાં ડિવાઇડર તોડનારની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. હવે લોકો માંગ કરી રહ્યા છે કે જવાબદાર તત્વો સામે કડક પગલાં લેવામાં આવે અને રોડ સુરક્ષા માટે કાયમી ઉકેલ લાવવામાં આવે.