Vadodara

ન્યાયમંદિર કોર્ટ સંકુલમાં પાર્કિંગના ‘ચક્રવ્યૂહ’નો અંત; નવી બોડીના પરિવર્તનની લહેર

ગ્રાઉન્ડ ઝીરો પર એક્શન: પ્રમુખ અને કારોબારી સભ્યોએ જાતે ઉભા રહી પાર્કિંગ વ્યવસ્થા સુધારી

વડોદરા શહેરના ન્યાયમંદિર કોર્ટ સંકુલમાં વકીલો અને અસીલો માટે લાંબા સમયથી માથાના દુખાવા સમાન બનેલી પાર્કિંગની સમસ્યાનું આખરે સુખદ નિરાકરણ આવ્યું છે. બરોડા બાર એસોસિએશનની નવી ચૂંટાયેલી બોડી અને પ્રમુખ હસમુખ ભટ્ટની આગેવાનીમાં હાથ ધરાયેલી ઝુંબેશને કારણે કોર્ટ સંકુલ હવે ટ્રાફિક મુક્ત અને વ્યવસ્થિત દેખાઈ રહ્યું છે.
બરોડા બાર એસોસિએશનની વર્ષ 2025-26ની ચૂંટણીમાં વિજયી થયેલા પ્રમુખ હસમુખ ભટ્ટે પદ સંભાળતાની સાથે જ પાર્કિંગની સમસ્યાને પ્રાથમિકતા આપી હતી. અગાઉના વર્ષોમાં તંત્ર અને પ્રતિનિધિઓ આ પ્રશ્ન ઉકેલવામાં નિષ્ફળ રહ્યા હતા, પરંતુ નવી ટીમે ગ્રાઉન્ડ લેવલ પર ઉતરીને આ કામગીરી પૂર્ણ કરી છે.
પાર્કિંગ વ્યવસ્થાને સુધારવા માટે પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને કારોબારી સમિતિના સભ્યો પોતે મેન એન્ટ્રન્સ ગેટથી લઈને એક્ઝિટ ગેટ સુધી હાજર રહ્યા હતા. વકીલો અને અસીલોને સમજાવીને યોગ્ય જગ્યાએ વાહન પાર્ક કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, “અમે વકીલોને ખાતરી આપી હતી કે પાર્કિંગનો પ્રશ્ન હલ કરીશું. ડિસ્ટ્રિક્ટ જજ, ટ્રાફિક એસપી અને વકીલ મંડળના સહકારથી આજે આ શક્ય બન્યું છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે સિનિયર અને જુનિયર વકીલોએ અમારા આદેશને માન આપીને પૂરો સહકાર આપ્યો છે.
હાલમાં કોર્ટ સંકુલનું પાર્કિંગ અત્યંત સુંદર અને વ્યવસ્થિત દેખાઈ રહ્યું છે, જેનાથી પક્ષકારો અને વકીલોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. બાર એસોસિએશન દ્વારા ભવિષ્યમાં પણ આ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અપીલ કરવામાં આવી છે.
:- મુખ્ય ફેરફારો:
*​એડવોકેટ પાર્કિંગ: મેન ફ્રન્ટ વિસ્તારમાં જે અગાઉ સામાન્ય લોકો વાહનો પાર્ક કરતા હતા, તેને હટાવીને માત્ર વકીલો માટે અનામત રાખવામાં આવ્યો છે.
*​ફોર-વ્હીલર પાર્કિંગ: વકીલોના ફોર-વ્હીલર માટે સામેના પક્ષે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.
*​અસીલો માટે વ્યવસ્થા: કોર્ટમાં આવતા અસીલો માટે પણ નિર્ધારિત સ્થળે પાર્કિંગ સુનિશ્ચિત કરાયું છે, જેથી અવરજવરમાં કોઈ અવરોધ ન આવે.

Most Popular

To Top