20થી વધુને ઇજા, બે દિવસમાં ત્રણનો ભોગ લેવાયો :
લકઝરીનો આગળનો ભાગ કાપી મૃતદેહ બહાર કાઢ્યો,અકસ્માતના કારણે ટ્રાફિક જામ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.31
નેશનલ હાઇવે 48 પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. એક બાદ એક ગમખ્વાર અકસ્માત સર્જાઇ રહ્યા છે. આજે ફરી બામણગામ પાટિયા પાસે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ખાનગી લક્ઝરી બસ આગળ જતી ટ્રકમાં ધડાકાભેર ટકરાઈ હતી. અકસ્માતમાં ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત થયું છે અને 20 થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે, જ્યારે બેથી વધુ લોકો ગંભીર હોવાનું સામે આવ્યું છે. 15 જેટલા ઈજાગ્રસ્તોને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી ખાનગી ટ્રાવેલ્સની લકઝરી અમરેલીથી સુરત તરફ જઈ રહી હતી, તે દરમિયાન ડ્રાઇવરની બેદરકારીના કારણે બસ આગળ જતી ટ્રકમાં ધડાકાભેર ઘૂસી જતાં બસના આગળના ભાગનું કચ્ચરઘાણ વળી ગયું હતું. જેમાં ડ્રાઈવર ફસાયો હતો.

કરજણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ વિવિધ કટર મશીનની મદદથી રેસ્ક્યુ કરી મૃતદેહ બહાર કાઢ્યો હતો. લકઝરીનો આગળનો ભાગ ડેમેજ હોવાથી રેમજેક મશીન અને વિવિધ સાધનોની મદદથી આગળનો ભાગ કાપી મૃતદેહ બહાર કાઢ્વો પડ્યો હતો.

આ અકસ્માતને લઈ કરજણ પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અકસ્માતના કારણે હાઇવે પર રેસ્ક્યુ અને બચાવ કામગીરીને કારણે ટ્રાફિકને રોકવામાં આવ્યો હતો.

અત્રે નોંધનીય બાબતે છે કે, થોડા સમય પૂર્વે જ એક ગામના રહીશે હાઇવે માર્ગ ઉપર રોડ સાઈડ પર ઉભા રહેતા ભારદારી વાહનો પર કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં રજૂઆતને ધ્યાને નહીં લેવાતા હાઇવે ઉપર સતત બીજા દિવસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જેમાં સર્જાયેલા બે અકસ્માતોમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા.