Columns

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અને આપણું રાજ્ય

કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલય દ્વારા ‘નેશનલ ફેમિલી હેલ્થ સર્વે’થતો આવ્યો છે અને આ સર્વેમાં સરકારને મદદ કરનારી સંસ્થા તરીકે ‘ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સ’ છે. છેલ્લા 30 વર્ષથી આ બંને સંસ્થાઓ દ્વારા આ સર્વે અલગ-અલગ તબક્કામાં થયા છે. હાલમાં પાંચમા ક્રમનો આ સર્વે પ્રકાશિત થયો છે અને તેમાં આપણા સ્વાસ્થ્યને અસર કરનારી અનેક બાબતો સમાવિષ્ટ છે.

આપણા રાજ્યમાં પણ આ સર્વે થયો છે અને તેમાં સેમ્પલ તરીકે રાજ્યના તમામ જિલ્લાઓમાં અભ્યાસ કરવામાં આવ્યો છે, તેમાં 33,343 ઘરોમાંથી માહિતી મેળવવામાં આવી છે. આ સર્વેના અહેવાલમાં જે વિગત પ્રકાશમાં આવી છે તેમાં રાજ્યના 57 % ઘરોને ગ્રામીણ વિસ્તારમાં દર્શાવ્યાં છે અને દરેક ઘરમાં સરેરાશ સભ્યસંખ્યા 4.5 છે. આ ઘરોમાં બહેનો પ્રતિનિધિત્વ કરતી હોય તેવા 13 % ઘરો છે. તેમાં જે ઘરોનું બહેનો પ્રતિનિધિત્વ કરતી હોય તેમાં મહદંશે પરિવાર હિંદુ છે અને 10 %  પરિવાર મુસ્લિમ છે. તદ્ઉપરાંત જ્ઞાતિ આધારિત પણ આ માહિતી સર્વેમાં છે.

રાજ્યના લોકો કેવાં ઘરમાં રહે છે અને તેઓને પ્રાથમિક સુવિધા મળે છે કે નહીં તે સંદર્ભે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. આ આધારે જે વિગત પ્રકાશમાં આવી છે તેમાં 77% લોકો પાસે પાકા ઘર છે. જો કે, આ પાકા ઘરોનો સરેરાશ એરિયા કેટલો છે તેનું વિવરણ મળતું નથી. ઉપરાંત, 97% લોકો પાસે વીજળી કનેક્શન દર્શાવાયું છે. અહીં પણ વીજળી કેટલા કલાક આપવામાં આવે છે તે માહિતી ઉપલબ્ધ નથી. ઉનાળા દરમિયાન વીજળીની જે બૂમો પડે છે તે સર્વેમાં નથી. સર્વેનો દાયરો સીમિત હોઈ શકે, પણ સીમિત દાયરાથી વિપરીત ચિત્ર ન જવું જોઈએ તે કાળજી આ માહિતીમાં દેખાતી નથી. વીજળીનું કનેક્શન હોય પરંતુ વીજળી ન હોય તો તે મસમોટી મર્યાદા છે.

પાણીના કનેક્શન બાબતે પણ માહિતી ઘરોમાં પાઇપલાઈન છે તે રીતે આપવામાં આવી છે. નહીં કે તેમાં પાણી કેટલા કલાક આવે છે અને તે કેવું આવે છે તે રીતે. આ સર્વેની મર્યાદા હોવા છતાં તેમાં પાયાનું ચિત્ર ઉપસી આવે છે જેથી એક અંદાજ બાંધી શકાય કે રાજ્યમાં સ્થિતિ શું છે? જેમ કે, ટોઇલેટ ન હોવાનો રાજ્યનો આંકડો 20 %ની આસપાસ છે અને ગ્રામીણ વિસ્તારમાં તેની ટકાવારી 31% છે અને તેમાં અગત્યની વિગત એ છે કે રાજ્યનો કોઈ પણ જિલ્લો એવો નથી જ્યાં 100%  ટોઇલેટની સુવિધા ઉપલબ્ધ હોય!

સમાજના પ્રતિબિંબના દાખલા આ સર્વેમાં ઠેકઠેકાણે દેખાશે. બાળકો કેટલાં અને કયા વર્ષે હોવા જોઈએ તેની વિગત અહીં આપવામાં આવી છે. જેમ કે, આજે 70% યુગલ બેથી વધુ બાળકો ઇચ્છતાં નથી અને તેમાં કેટલાંક એક બાળક સુધી જ સીમિત રહેવા ઇચ્છે છે અને તેઓ બીજા બાળકને જન્મ આપે તે અગાઉ 2 વર્ષ રાહ જોવામાં માને છે. ઉપરાંત, આજે 80%ની આસપાસ યુગલ પરિવારમાં બાળકોની સંખ્યા બેથી વધુ ઇચ્છતા નથી. અહીં સુધીના સર્વેના પરિણામનો અંદાજ આપણી આસપાસથી લગાવી શકાય અને તે ચિત્ર સમાજને તાદૃશ્ય રીતે રજૂ કરે છે. પણ આ માહિતીની ગંભીરતા ત્યારે સામે આવે છે જ્યારે સર્વેમાં એવી વિગત પ્રકાશમાં આવી છે કે, ગુજરાતમાં મહદંશે બાળકો ઇચ્છનારા યુગલો દીકરાની આકાંક્ષા વધુ રાખે છે.

જેમ સર્વેમાં અનેક બાબતો આપણી ધારણાને પોષે છે તેમ કેટલીક એવી બાબત પણ છે કે તેના પરિણામ જોઈને આશ્ચર્ય થાય. દેશના અન્ય રાજ્યોના મુકાબલે ગુજરાત સમૃદ્ધ છે, શિક્ષણ પણ સારું છે પરંતુ ગર્ભનિરોધક જ્ઞાન બાબતે આપણા રાજ્યની પ્રગતિ અન્ય ક્ષેત્રો જેટલી નથી. સર્વે મુજબ હજુ રાજ્યની અડધોઅડધ મહિલાઓને તત્કાલ ગર્ભનિરોધક વિશે કોઈ જ માહિતી નથી. અને હજુ રાજ્યની 35 % મહિલાઓને ગર્ભનિરોધક તરીકે કોઈ પણ પદ્ધતિનું જ્ઞાન નથી કાં તો તેમને અનુસરવા અનુકૂળતા નથી.

બાળકોના રસીકરણને લઈને પણ જિલ્લાવાર જે ચિત્ર દેખાય છે તેમાં પણ આશ્ચર્ય થાય એમ છે. 12થી 23 મહિનાના બાળકોમાં રસીકરણમાં સૌથી સારી સ્થિતિ તાપી, પંચમહાલ, નવસારી, જુનાગઢ, સુરત, ડાંગ અને વલસાડ જિલ્લાની છે. જ્યારે રસીકરણ બાબતે જે જિલ્લાઓમાં સારી રીતે રસીકરણ થયું નથી તેમાં બનાસકાંઠા, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ અને અમદાવાદ સુદ્ધાં છે. હવે આ બંને બાજુના જિલ્લા જોતાં તેનાં કારણો સ્થાનિક સ્તરે તપાસવાની આવશ્યકતા છે, કારણ કે રસીકરણ સારી રીતે ન થાય તેમાં અમદાવાદ પણ છે.

બાળકોના સ્વાસ્થ્ય બાબતે બીજી સૌથી મોટી મર્યાદા કુપોષણ છે અને તેમાં આપણા રાજ્યની સ્થિતિ સારી નથી. હજુ પણ રાજ્યના 35 % જેટલાં 5 વર્ષથી નાનાં બાળકો કુપોષિત છે. બાળકો કુપોષિત છે તેનું એક કારણ એ પણ છે કે રાજ્યમાં મહિલાઓમાં કુપોષણ હોવાની ટકાવારી 65 % છે. હવે જ્યારે મહિલાઓની કુપોષિતની ટકાવારી આટલી મોટી હોય તો બાળકોમાં તે આવશે.

ઘર, વીજળી, મહિલા અને બાળકોના સ્વાસ્થ્યનો એક ઓવરવ્યૂ આ સર્વેમાં છે અને પછી તેમાં વયસ્ક લોકોના સ્વાસ્થ્ય વિશે પણ સર્વે થયો છે. તેમાં કેટલીક બીમારીઓને લઈને માહિતી એકઠી કરવામાં આવી છે જેમ કે ટ્યૂબરક્યોલોસિસ. રાજ્યમાં એક લાખે 211 લોકો TB ગ્રસ્ત છે. હવે જો કે તેનો ઇલાજ સારી રીતે થાય છે તેમ છતાં ગ્રામીણ વિસ્તારોમાં TBના દરદીઓ જલદીથી સામે આવતાં નથી અને જ્યારે આવું થાય છે ત્યારે TBથી મૃત્યુની આશંકા વધી જાય છે. TB સંક્રમણથી થતી બીમારી છે. એ રીતે શહેરીજીવન અને અવ્યવસ્થિત જીવનશૈલીથી જે બીમારીઓ થાય છે તેનો પણ ઉલ્લેખ સર્વેમાં થયો છે. ડાયાબિટીસમાં રાજ્યનો આંકડો મોટો છે.

દર લાખે 15-49 વર્ષના વ્યક્તિમાંથી 1300ની આસપાસ મહિલા અને પુરુષ ડાયાબિટીસથી પીડિત છે. જો કે આ જેમણે સ્વીકાર્યું છે તેમના આધારે જ આ આંકડો આવ્યો છે, બાકી ડાયાબિટીસનો આ આંકડો વધુ હોવાની સંભાવના છે. બ્લડપ્રેશરનો જે આંકડો 15-49ની ઉંમરમાં 10 %ની આસપાસ દર્શાવ્યો છે તે યોગ્ય લાગતો નથી. શહેરી વિસ્તારમાં બ્લડપ્રેશરનો આંકડો આનાથી અનેકગણો વધુ હોવાની શક્યતા છે. બીમારી સંબંધિત હેલ્થ ઇન્શ્યોરન્સની માહિતી આ સર્વેમાં છે અને તેમાં ગુજરાતના માત્ર 40% લોકો કોઈ હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમ સાથે જોડાયેલાં છે.

આ સર્વેમાં આહાર બાબતને લઈને પણ આંકડા આવ્યા છે અને તેને લઈને વિવાદ પણ થયો છે. વિશેષ કરીને માંસાહારના જે આંકડા આવ્યા છે તેને લઈને ઘણા અખબારી અહેવાલોમાં આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવ્યું છે. માંસાહારની આપણા દેશમાં કોઈ નવાઈ નથી પરંતુ માંસાહાર સંદર્ભે અવારનવાર એવો તર્ક અપાય છે કે ભારતમાં માંસાહારીઓની સંખ્યા ઓછી છે. જો કે આ સર્વેમાં 3 માંથી 2 વ્યક્તિ માંસાહાર કરે છે તેવું દર્શાવાયું છે. આપણે ત્યાં હિંદુ કે જૈન તહેવારોના દિવસે નોન-વેજ ફૂડ સર્વ કરવા અંગે ખૂબ વિવાદ થાય છે પણ વાસ્તવિકતા એ છે કે માંસાહારનો જેટલો વિરોધ દેખાય છે તેટલા પ્રમાણમાં માંસાહારીથી અંતર દેખાતું નથી.

આ સર્વેમાં માંસાહાર ક્યારેય ન કરનારાં વર્ગમાં દેશમાંથી 23 % મહિલા અને 15% પુરુષો છે. શાકાહારને પ્રાધાન્ય હોય તેવાં રાજ્યોમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ગુજરાત છે પણ દેશના અન્ય ભાગોમાં માંસાહારને પ્રાધાન્ય જોવા મળે છે. દેશના પૂર્વ અને દક્ષિણમાં તો આહારમાં નોન-વેજનું પ્રમાણ વધુ છે. આ ડેટામાં જૈન સમાજની જે માહિતી પ્રગટ થઈ છે તેનાથી ઘણાને આશ્ચર્ય થયું છે. તેમાં જૈન સમાજના 15% પુરુષો અને 4 % મહિલા નોન-વેજ આહાર લે છે તેમ જણાવ્યું છે. આવી અનેક બાબતો છે જે સર્વે થકી સ્પષ્ટ થાય.

Most Popular

To Top