Vadodara

નિવૃત્ત પોલીસના પુત્રનો આતંક, મનીષા ચોકડી પાસે યુવાનો પર કાર ચડાવવાનો પ્રયાસ કરી દંડાવાળી કરી

​પોલીસનો રોફ ઝાડીને નશામાં ધૂત શખ્સે દાદાગીરી કરી; વિધાઉટ નંબરની કારમાં પોલીસની લાઈટ અને પ્લેટ લગાવીને ફરતો હતો

વડોદરા:
વડોદરા શહેરના મનીષા ચોકડી વિસ્તારમાં ગત મોડી રાત્રે એક નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્રએ ભારે હોબાળો મચાવ્યો હતો. પોલીસનો પુત્ર હોવાના નાતે રોફ ઝાડી રહેલા આ શખ્સે ચારથી પાંચ યુવાનો પર હુમલો કર્યો હતો અને તેમની કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આક્ષેપ છે કે શખ્સે દારૂ પીધેલી હાલતમાં યુવાનો પર ગાડી ચડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલો અકોટા પોલીસ મથકે પહોંચતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મનીષા ચોકડી પાસે જલધારા એપાર્ટમેન્ટ નજીક કૃતિક બારોટ અને તેના મિત્રો ઉભા હતા. આ દરમિયાન કિયા સેલ્ટોસ કાર લઈને આવેલા યુવરાજસિંહ ઝાલા નામના શખ્સે અચાનક આવીને દાદાગીરી શરૂ કરી હતી. યુવાનોના જણાવ્યા અનુસાર, યુવરાજસિંહની કાર પર નંબર પ્લેટ નહોતી, પરંતુ તેની પર ‘પોલીસ’ લખેલી પ્લેટ અને લાલ-બ્લુ પોલીસ લાઈટ લાગેલી હતી. કારમાંથી ઉતરીને તેણે યુવાનોને ગાળો આપી હતી અને “અહીં કેમ ઉભા છો?” તેમ કહી દંડાથી માર મારવા લાગ્યો હતો.

ભોગ બનનાર યુવાન કૃતિકે જણાવ્યું કે, જ્યારે તેઓએ આ શખ્સનો વિડિયો ઉતારવાનું શરૂ કર્યું, ત્યારે તે ગભરાઈને ભાગવા લાગ્યો હતો. ભાગતી વખતે તેણે યુવાનો પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તે નજીકની એક સોસાયટીમાં ઘૂસી ગયો હતો, જ્યાં તેણે અને તેના પિતાએ જેઓ નિવૃત્ત પોલીસ અધિકારી હોવાનું કહેવાય છે, મળીને યુવાનોને દંડાથી બેરહેમ માર માર્યો હતો અને યુવાનોની ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા.

યુવાનોનો આક્ષેપ છે કે ઘટના બાદ જ્યારે પીસીઆર વાન બોલાવવામાં આવી, ત્યારે આરોપીએ પોતે પોલીસમાં હોવાની ઓળખ આપીને બચવાનો પ્રયાસ કર્યો હતો. અકોટા પોલીસ મથકે પહોંચેલા યુવાનોએ ઉગ્ર રજૂઆત કરી હતી કે જો કોઈ સામાન્ય નાગરિક હોત તો પોલીસ તુરંત કડક કાર્યવાહી કરત અને તેનો ‘વરઘોડો’ કાઢત, પરંતુ અહીં પોલીસ પુત્ર હોવાથી તેને છાવરવામાં આવી રહ્યો છે.

અકોટા પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી યુવરાજસિંહ ઝાલાને મેડિકલ ચેકઅપ માટે ગોત્રી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. યુવાનોએ માંગ કરી છે કે આરોપી સામે દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવિંગ કરવા અને જાનથી મારી નાખવાના પ્રયાસ હેઠળ કડક ગુનો નોંધવામાં આવે.

Most Popular

To Top