Vadodara

નિમેટા પાસે રફતારનો કહેર : યુવતીને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર

પારુલ યુનિવર્સિટીની વિધાર્થિની ગંભીર રીતે ઇજાગ્રસ્ત
108 મારફતે હોસ્પિટલ ખસેડાઈ, પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો
(પ્રતિનિધિ) વડોદરા, તા. 6

વડોદરા શહેર અને જિલ્લામાં રફતારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. આજે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના વાઘોડિયા તાલુકાના નિમેટા ગામ પાસે બની હતી, જ્યાં રસ્તા પરથી પસાર થતી એક યુવતીને અજાણ્યા ટ્રક ચાલકે જોરદાર ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ નિમેટા ગામ પાસે આવેલા પુનિતનગર વિસ્તાર નજીક રસ્તા પર જઈ રહેલી યુવતીને પૂરપાટ ઝડપે આવતા ટ્રકે અડફેટે લીધી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક સ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમે ઇજાગ્રસ્ત યુવતીને પ્રાથમિક સારવાર આપીને નજીકની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડી હતી.
પ્રાથમિક માહિતી મુજબ ઇજાગ્રસ્ત યુવતી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધાવી તેની શોધખોળ હાથ ધરી છે.
વડોદરા શહેર અને હાઈવે માર્ગો પર વધતા અકસ્માતોને લઈને લોકોમાં ચિંતા વધી રહી છે, ત્યારે રફતારના રાક્ષસોને કાબૂમાં લેવા તંત્ર વધુ સક્રિય થાય તેવી માંગ ઉઠી રહી છે.

Most Popular

To Top