Vadodara

નિઝામપુરામાં ‘એક બસ’ સામે જનતાનો વિસ્ફોટ: ધારાસભ્ય સામે જ હુરિયો, ચૂંટણીમાં પાઠ ભણાવવાની ચીમકી

કોવિડ પહેલા 40 બસો, આજે માત્ર 1! — ‘ચૂંટણી લોલીપોપ’ કહી સ્થાનિકોમાં રોષનો વિસ્ફોટ

વડોદરાના નિઝામપુરા બસ ડેપોથી આજથી થરાદ રૂટની એસ.ટી. બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા બસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું, પરંતુ આ કાર્યક્રમ ખુશીના બદલે ભારે વિવાદમાં ફેરવાયો હતો. વર્ષોથી બંધ પડેલી બસ સેવાઓના મુદ્દે સ્થાનિક રહિશોએ ધારાસભ્યની હાજરીમાં જ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને આ પગલાને ‘ચૂંટણી સ્ટંટ’ ગણાવ્યો હતો.

નિઝામપુરા અને આસપાસના વિસ્તારોમાં ઉત્તર ગુજરાતના અંદાજે સવા લાખ જેટલા લોકો વસવાટ કરે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોવિડ કાળ પહેલાં નિઝામપુરા ડેપોથી ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર તરફ 40થી વધુ એસ.ટી. બસો દોડતી હતી. બાદમાં આ બસ સેવાઓ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી અથવા સેન્ટ્રલ બસ ડેપોમાં ખસેડી દેવામાં આવી, જેના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
લાંબા સમયથી ચાલી રહેલી માંગણી બાદ આજે માત્ર એક જ બસ (થરાદ રૂટ) શરૂ કરાતા લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. જ્યારે ધારાસભ્ય બસને લીલી ઝંડી આપવા પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ તેમને ઘેરી લીધા હતા. લોકોનો સ્પષ્ટ આક્રોશ હતો કે,“સવા લાખની વસ્તી સામે એક જ બસ આપવી એ મજાક સમાન છે.”
સ્થાનિક આગેવાનોએ ખુલ્લેઆમ ચીમકી ઉચ્ચારી હતી કે જો નજીકના સમયમાં અન્ય રૂટની બસ સેવાઓ પુનઃ શરૂ નહીં કરવામાં આવે, તો આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને તેનો ભારે ખમિયાજો ભોગવવો પડશે. લોકોએ મતદાન દ્વારા વળતો જવાબ આપવાની ચેતવણી પણ આપી હતી.
ઉગ્ર વિરોધ વચ્ચે ધારાસભ્ય કેયુર રોકડિયાએ લોકોની માંગને વ્યાજબી ગણાવી હતી અને આગામી સમયમાં વધુ બસ સેવાઓ શરૂ કરવાની ખાતરી આપી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થાનિકોનું કહેવું છે કે જ્યાં સુધી લેખિત ખાતરી અથવા પ્રત્યક્ષ અમલ નહીં થાય, ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે.

ધારાસભ્ય સામે જ લોકોનો આક્રોશ ફૂટ્યો
“અમે વર્ષોથી હાલાકી ભોગવી રહ્યા છીએ. સેન્ટ્રલ ડેપો સુધી જવું અમને પરવડતું નથી. જો જૂની વ્યવસ્થા ફરી શરૂ નહીં થાય, તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.”
મુખ્ય માંગણી
કોવિડ પહેલાં દોડતી તમામ 40 એસ.ટી. બસો ફરીથી નિઝામપુરા ડેપોથી જ શરૂ કરવામાં આવે
આક્ષેપ
સ્થાનિકોએ આ પગલાને આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરાયેલું ‘લોલીપોપ’ ગણાવ્યું

Most Popular

To Top