કેન્દ્રની સરકાર દેશમાં ૮૧ કરોડ લોકોને મફતમાં અનાજ સહિતનું રાશન આપવાને પોતાની સિદ્ધિ ગણાવી રહી છે, ત્યારે ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ મફત અનાજ સહિતની યોજનાઓની ટીકા કરી જણાવ્યું છે કે દેશમાં ગરીબી દૂર કરવી હોય તો લોકોને મફતમાં ચીજો આપવાને બદલે રોજગારી પેદા કરવી જોઈએ. આપણે દુનિયાના વિકસીત દેશો સાથે સ્પર્ધા કરવાની વાતો કરી રહ્યા છીએ પણ લોકોને મફતમાં અનાજ આપીએ છીએ. મફતમાં અનાજ આપીશું તો કામ કોણ કરશે?
નારાયણમૂર્તિએ ઉદ્યોગ સાહસિકોના જૂથને સંબોધતા જણાવ્યું કે મને શંકા નથી કે તમારામાંથી દરેક વ્યક્તિ લાખો નોકરીઓ ઊભી કરશે અને એ રીતે તમે ગરીબીની સમસ્યાનો ઉકેલ લાવશો. લોકોને મફત ચીજો આપીને ગરીબીની સમસ્યાનો ઉકેલ લાવી ના શકો. કેમ કે કોઈપણ દેશ તેમાં સફળ થયો નથી. નારાયણમૂર્તિની વાતમાં તથ્ય છે અને દમ પણ છે. કેમ કે દેશમાં ગરીબી ઓછી કરવી હોય તો પ્રજાને મફત ચીજો આપી પરાવલંબી બનાવવાને બદલે સ્વાવલંબી બનાવવાની જરૂર છે. આ બાબત દેશના શાસક પક્ષ અને વિપક્ષોએ પણ ગ્રહણ કરવાની જરૂરી છે. ચીન જેવા દેશમાં ત્યાંની સરકાર દ્વારા ‘લોટરી’ ઉપર સંપૂર્ણ કાયદાકીય પ્રતિબંધ છે. જેથી લોકો સ્વાવલંબી બને.
પાલનપુર – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
