ચૂંટણીને લઇ શિક્ષકોમાં બે જૂથ પડ્યા, એક જૂથે આ વખતે બેલેટ પેપર થી મતદાન કરીને જ પોતાના ઉમેદવારને મંડળીના હોદા ઉપર મોકલવાનું નક્કી કરતા વર્ષો પછી બેલેટ પેપરથી મતદાન થશે
નસવાડી તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોની તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળી આવેલી છે. ઓગસ્ટ માસમાં મંડળીના હોદ્દેદારોને 5 વર્ષ પૂર્ણ થતા મંડળીની ચૂંટણી યોજવા માટે કારોબારી સમિતિની મિટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો છે. ઓગસ્ટ 2019 માં બિન હરીફ ચૂંટણી થઇ હતી અને હાલ 5 વર્ષની મુદત પુરી થતા ચૂંટણીની તારીખો નક્કી કરવામાં આવી છે. જેમાં તા.04/10/2024 અને 05/10/2024 આમ બે દિવસ ઉમેદવારો ફોર્મ ભરી શકશે અને તા.06/10/2024 ના રોજ ફોર્મની ચકાસણી થશે. બપોર બાદ ફોર્મ પરત ખેંચી શકશે. જયારે ચૂંટણીનું મતદાન તા.19.10.2024 ના રોજ 11 થી 2 ના સમયમાં યોજાશે અને ત્યાર બાદ તરતજ મતદાન ગણતરી કરવામાં આવશે. જયારે હાલ તો 350 જેટલા સભાસદો મંડળીમાં છે . તેઓ મતદાન કરી શકશે.
આ મંડળીની ચૂંટણીમાં શિક્ષકો બે ભાગમાં વહેંચાયેલા છે . સત્તાધારી શિક્ષકોનું જૂથ સામે બીજું શિક્ષકોનું જૂથ હાવી છે અને આ જૂથ ચૂંટણી કરાવવા માટે છેલ્લા કેટલાક મહિનોથી ધમપછાડા કરી રહ્યું હતું . જયારે ગત વખતની ચૂંટણીમાં સમરસ બોર્ડ બેઠું હતું .જેમાં વિરોધી જૂથના સભ્યોને એક હોદ્દો મંડળીનો આપવાનો હતો , પરંતુ સત્તા મેળવ્યા બાદ વિરોધી જૂથને હોદ્દો ના મળતા 5 વર્ષ સુધી વિરોધી જૂથ મૌન બેસી રહ્યું હતું. હાલ મુદત પુરી થતા ચૂંટણી નક્કી થતા ચૂંટણી લડવા થનગનતા શિક્ષક સભાસદોએ ગુપ્ત મિટિંગોનો દોર શરૂ કરી દીધો છે. જયારે આ વખતે અમુક શિક્ષકો સત્તા પરિવર્તન કરવા માટે એડીચોંટીનું જોર લગાવીને ચૂંટણી કરાવીને બેલેટ પેપેરથી વિજેતા થયેલા ઉમેદવારોને શાસનમાં બેસાડવા માટેનું નક્કી કરતા ચૂંટણીનો ગરમાવો શિક્ષકોમાં આવી ગયો છે .આમ તો શિક્ષક દર વખતે પ્રજાને મતદાન કરાવે છે અને લોકો ચૂંટણી લડતા હોય તેને દૂર થી જોતા હોય છે , પરંતુ આ વખતે વર્ષો પછી ચૂંટણી યોજાવાની છે ત્યારે મતદાન કરવાનો મોકો આ વખતે શિક્ષકોને મળવાનો હોવાથી શિક્ષકોમાં ભારે ઉત્સાહ છે.