Chhotaudepur

નસવાડી તાલુકામાં રસ્તાને અભાવે દર્દીને ઝોળીમાં લઈ જવા આદિવાસીઓ મજબૂર

નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના લોકો રસ્તાના અભાવે ઝોળીમાં નાખીને બિમાર દર્દીને બે કિલોમીટર પગપાળા ચાલી લઈ જવા મજબૂર બન્યા છે.

તાલુકામાં સરકારી ચોપડે પાકો રસ્તો બોલે છે, પરંતુ અનેક સ્થળો ઉપર ડામર રસ્તાના નામો નિશાન નથી. જ્યારે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ 10 વર્ષ પહેલાં રોડ બનાવીને ગયા બાદ પાછા વાળી ને આવ્યા જ નથી. ડામર રોડના મેટલ છુટા પડી જતા તંત્રને બતાવવા માટે આદિવાસી સમાજના લોકોએ રોડના મેટલ ભેગા કરીને હાથમાં લઇ દેખાડ્યા હતા.



નસવાડી તાલુકાના સાંકળ ગામેથી માથાજુલધાની ગામેં જવાનો 2 કિલોમીટરનો માર્ગ 10 વર્ષ પહેલા પંચાયત માર્ગ મકાન વિભાગે બનાવ્યો હતો. જે રોડમાં હાલ મેટલો ઉખડી ગયા છે અને આખો રસ્તો તૂટી ગયો છે. ઢાળવાળો રસ્તો હોવાથી ભારદારી વાહનો અને એમ્બ્યુલન્સ પણ જઈ શકતી નથી. જ્યારે રોડના મેટલ ઉખડી જતા લોકોને પગપાળા ચાલીને ગામમાં જવું પડે છે. માથાજુલધાની ગામ પાસે લો લેવલનો કોઝવે આવેલો છે. ચોમાસામાં કોતરમાં પાણી આવી જાય તો બે બે દિવસ સુધી ગામ સંપર્ક વિહોણો બની જાય છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ 108 એમ્બ્યુલન્સ પણ ગામ સુધી ના આવતી શકતી હોવાથી ગામમાં કોઈ બીમાર પડે તો તેને ઝોળીમાં નાખીને આ બિસ્માર બે કિલોમીટરનો રસ્તો પગપાળા ચાલીને પસાર કરી ગામથી દૂર એમ્બ્યુલન્સ સુધી દર્દીને પહોચાડવા પડે છે. ગામમાં આજ દિન સુધી એસ.ટી બસ પણ આવી નથી. જેના ગામ લોકોને બે કિલોમીટર આ રસ્તો પસાર કરે ત્યાર બાદ ખાનગી વાહન મળે છે. જયારે મોટર સાયકલને પણ ધક્કો મારીને લોકો આ રસ્તો પસાર કરાવે છે. અનેક સમસ્યાઓથી ગ્રામજનો વર્ષોથી દુઃખ ભોગવી રહ્યા છે. આ બાબતે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાંય પણ અધિકારીઓ એ ધ્યાન ના આપતા આજ દિન સુધી જિલ્લા અને તાલુકાના કોઈ પણ અધિકારી ગામ સુધી આવ્યા જ નથી. જેને લઇ ગ્રામજનો ભેગા થઇ રોડમાંથી ઉખેડી ગયેલા મેટલ હાથમાં લઇ તંત્રના અધિકારીઓ અને નેતાઓને દેખાડ્યા હતા અને આ રોડને રિપેર કરવા અને રસ્તો નવો બનાવવા માંગ કરી હતી

Most Popular

To Top