Nasvadi

નસવાડી તાલુકાના જૂના તણખલા ગામે પાણી પુરવઠા વિભાગની બેદરકારીથી એક માસથી પાણી બંધ

આશરે 700 જેટલા લોકો પાણી વિના હેરાન પરેશાન

નસવાડી |
નસવાડી તાલુકાની સાંકળ (તણખલા) ગ્રામપંચાયત હેઠળ આવેલા જૂના તણખલા ગામે પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. છેલ્લા એક માસથી ગામના સંપમાં ફિલ્ટરવાળું શુદ્ધ પાણી ન આવતાં આશરે 700 જેટલા લોકો પાણી વિના હેરાન પરેશાન બન્યા છે.
જૂના તણખલા ગામમાં પોચંબા પાણી પુરવઠા યોજનાના અંતર્ગત અગાઉ ફિલ્ટરવાળું શુદ્ધ પાણી ઉપલબ્ધ હતું. પરંતુ પાણી પુરવઠા વિભાગ દ્વારા તણખલા તરફથી આવતી જૂની પાણીની પાઇપલાઇન બંધ કરી દેવામાં આવી છે અને જાંબુઘોડા તરફથી નવી પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, નવી લાઇનની કામગીરી પૂર્ણ થવા પહેલા જ જૂની પાઇપલાઇન બંધ કરી દેવામાં આવતા છેલ્લા એક માસથી ગામના સંપમાં પાણી આવતું બંધ થઈ ગયું છે.
ગામમાં ત્રણ ફળિયાઓ મળી કુલ આશરે 700 લોકોની વસ્તી રહે છે. એક માસથી શુદ્ધ પાણી ન મળતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ ગ્રામ પંચાયતના વોટરવર્કસના બોર હોવા છતાં ઉનાળાની શરૂઆત સાથે જ બોરનું જળસ્તર ઘટવા લાગ્યું છે, જેના કારણે આવનારા દિવસોમાં પાણીની ગંભીર કટોકટી સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ મુદ્દે સરપંચ દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે પાણી પુરવઠા વિભાગ દર વર્ષે પાણી પહોંચાડવા માટે કોન્ટ્રાક્ટરને કરોડોની ગ્રાન્ટ આપે છે, પરંતુ પ્રજાહિતમાં કામગીરી થતી નથી. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે ગામજનોને મુશ્કેલી સહન કરવી પડી રહી છે.
ગ્રામજનોમાં આ મુદ્દે ભારે રોષ ફેલાયો છે. લોકો દ્વારા રજૂઆત કરવા છતાં અધિકારીઓ સાંભળતા ન હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. કેટલાક લોકોએ અધિકારીઓ રાજકીય વગ ધરાવતા હોવાથી જવાબદારીથી બચતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે પાણી પુરવઠા વિભાગ તાત્કાલિક જૂની પાઇપલાઇન પુનઃ શરૂ કરે અથવા નવી લાઇનની કામગીરી ઝડપથી પૂર્ણ કરી પાણી પુરવઠો શરૂ કરે, જેથી ઉનાળા પહેલા પાણીની સમસ્યાનો ઉકેલ આવી શકે.
રિપોર્ટર: સરવેઝ મેમણ

Most Popular

To Top