Nasvadi

નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ

મેઈન કેનાલ છલોછલ, માઈનોર કેનાલ સુકી – તંત્રની બેદરકારીનો આક્ષેપ

અધિકારીઓની અવગણનાથી આદિવાસી વિસ્તારમાં ખેતી સંકટમાં

નસવાડી: નસવાડી તાલુકાના પીપલાજ, રતનપુરા અને વેલાડી ગામોના ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી ન મળતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગામો નર્મદા મેઈન કેનાલથી માત્ર બે થી ત્રણ કિલોમીટર દૂર આવેલાં હોવા છતાં ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચતું નથી. ઉલ્લેખનીય છે કે નર્મદા મેઈન કેનાલના નિર્માણ માટે આ ગામોના ખેડૂતોએ પોતાની જમીનો પણ આપી છે, છતાં આજે તેમની નજર સામે કેનાલમાં છલોછલ પાણી વહે છે પરંતુ તેઓ સુધી તેનો લાભ પહોંચતો નથી.

માઈનોર કેનાલમાં ઘાસ, ખેતરો સુધી પાણી નહીં

રતનપુરા, પીપલાજ અને વેલાડી ગામોના ખેતરોમાં નર્મદા યોજનાની માઈનોર કેનાલો બનાવવામાં આવી છે, પરંતુ તેમાં પાણી છોડવામાં આવતું નથી. કેનાલોમાં મોટા પ્રમાણમાં ઘાસ ઉગી નીકળ્યું છે. પરિણામે ખેડૂતોને સીઝન એન્જિનથી મોંઘું પાણી ખેંચીને સિંચાઈ કરવી પડે છે, જેના કારણે ખેતી ખર્ચાળ બની છે.

પાક નિષ્ફળ, ખેડૂતોની આજીવિકા પર જોખમ

એક તરફ ચોમાસા દરમિયાન કમોસમી વરસાદથી કપાસનો પાક નિષ્ફળ જતા ખેડૂતોએ મકાઈનું વાવેતર કર્યું છે, પરંતુ બીજી તરફ સિંચાઈ માટે પાણી ન મળતા હવે આ પાક પણ જોખમમાં મુકાયો છે. સરકાર દ્વારા “ખેતરે ખેતરે પાણી” પહોંચાડવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ ભિન્ન હોવાને કારણે ખેડૂતોમાં વ્યાપક અસંતોષ છે.

ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ અસરકારક પગલાં લેવાતા નથી એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સંખેડા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા નર્મદા નિગમમાં રજૂઆત થાય તેવી ખેડૂતોની માંગ છે. આ વિસ્તાર આદિવાસી બહુલ છે અને રોજગારીના વિકલ્પો ન હોવાથી મોટા ભાગના પરિવારો ખેતી પર નિર્ભર છે. તેથી ખેડૂતોને સમયસર સિંચાઈનું પાણી મળે તે માટે તંત્ર તાત્કાલિક ધ્યાન આપે તે અત્યંત જરૂરી બન્યું છે.

Most Popular

To Top