નસવાડી: નસવાડી તાલુકાના લાવાકોઈ ગામે એક ખેડૂત પોતાના ખેતરમાં કામ કરતો હતો ત્યારે વીજકરંટ લાગતા તેનું મોત થયું હતું. 10 દિવસ બાદ આ ખેડૂતના પુત્રનું લગ્ન હતું. લગ્નની તૈયારીઓ વચ્ચે મધ્ય ગુજરાત વીજકંપનીના વાંકે કરંટ લાગ્યો અને મોત થયું.
નસવાડી તાલુકાના લાવાકોઈ ગામે રહેતા અંબાલાલ શંકરભાઇ રાઠવા પોતાના ખેતર માં કામ અર્થે ગયો હતો. થોડાઘણા લાકડા પુત્રના લગ્ન પ્રસંગ માં વાપરવા માટે લાકડા કાપવાની કામગીરી કરતો હતો. તે વખતે ખેતરના વીજપોલના તાણીયામાં કરંટ આવતો હોવાની ખેડૂતને ખબર ના હોવાથી તેનો હાથ અડતા વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું.
અંબાલાલભાઈના પુત્રનું 10 દિવસ માં લગ્ન હતું. ઘરમાં લગ્નની તમામ તૈયારીઓ થઇ ગઈ હતી. કંકોત્રી છપાઈ ગઈ હતી. ત્યાં જ ઘરના મોભી નું કરંટ લાગતા મોત થતા ગામમાં શોક નું મોજું ફરી વળ્યું છે.
નસવાડી તાલુકામાં મધ્યગુજરાત વીજકંપની દ્વારા આદિવાસી વિસ્તારમાં વીજ લાઈનોની મેન્ટેનન્સની કામગીરી ના કરતા આવી ઘટનાઓ અનેક વાર બની છે. નસવાડી તાલુકામાં વીજ લાઈનો રીપેરીંગ કરવા માટે મધ્ય ગુજરાત વીજકંપનીના અધિકારીઓએ ગામડાઓની મુલાકાત લઈને આવી વીજ લાઈનો રીપેરીંગ કરાવવી જોઈએ. જયારે આદિવાસી વિસ્તારમાં આવી ઘટનાઓ બને ત્યારે બે દિવસ કામગીરી કરવામાં આવે છે. ત્યારબાદ કોઈ ધ્યાન આપતું નથી. જયારે નસવાડી પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે અને મૃતકના મૃતદેહને નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પી એમ માટે લાવવામાં આવ્યો છે.
પ્રકાશભાઈ રાઠવા, ગ્રામજનના જણાવ્યા મુજબ ; ઘર માં લગ્ન પ્રસંગ હોવાથી ઘરના સભ્યો લાકડા કાપવા માટે ગયા હતા અને વીજપોલનો તાણિયો હતો તેના ઉપર કરંટ આવતો હતો અને થાંભલા ઉપરના ઝંપરનો વાયર તાણીએ અડી ગયો હતો. મધ્ય ગુજરાત વીજકંપનીના વાંકે આ ખેડૂતનું મોત થયું છે. જયારે મધ્ય ગુજરાત વીજકંપનીએ આ પરિવારને સહાય આપવી જોઈએ.