વડોદરા: આજે શનિવારે મેયર, ચેરમેન ડેપ્યુટી મેયર, દંડક અને શાસક પક્ષના નેતાની ટર્મ પૂર્ણ થઇ રહી છે. જો કે બે દિવસની રજા હોઈ સોમવારે શહેરને નવા હોદ્દેદારો મળશે. પાલિકા દ્વારા ખાસ સામાન્ય સભામાં આ નામોની જાહેરાત કરવામાં આવશે. ત્યારે હાલમાં ચર્ચા ચાલી રહી છે કે જે નામો ઉપર હાલમાં ચર્ચા ચાલી રહી છે તેમાંથી કોઈ સક્ષમ હોય તેમ લાગતું નથી. શહેરના માથે, સંગઠનના માથે અને અધિકારીઓના માથે માત્ર એક નામ થોપી દેવાશે તેમ લાગી રહ્યું છે. શહેરની યાતનાઓ દૂર કરવા માટે કોઈનામાં સક્ષમતા પણ નથી અને બીજા શબ્દોમાં કહીએ તો નીતિ પણ જોવા મળી રહી નથી.
મહાનગરપલિકામાં અઢી વર્ષ માટે મેયર સહિતના હોદ્દેદારોની ટર્મ પૂર્ણ થઇ રહી છે. અને નવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવશે. આજે 9 સપ્ટેમ્બરના રોજ આ ટર્મ પૂર્ણ થઇ રહી છે પરંતુ બે દિવસની રજાના કારણે સોમવારે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી છે અને તેમાં મેયરના નામની જાહેરાત કરવામાં આવશે. આગામી અઢી વર્ષ માટે મહિલાને મેયર તરીકે મુકવામાં આવશે. ત્યારે હાલમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે કે જેઓના નામ ચર્ચાઈ રહ્યા છે તેમાંથી એકેયમાં મેયર તરીકેની સક્ષમતા નથી. માત્ર પદ મેળવવા માટે હાલ લોબિંગ કરવામાં આવી રહ્યું છે. મલાઈદાર પદ મેળવવા માટે ગાંધીનગર અને સુરતના આંટાફેરા કરવામાં આવી તો રહ્યા છે પરંતુ પ્રદેશ કક્ષાએથી લાયકાત અને સક્ષમતા જોઈને નિર્ણય કરવામાં આવે તો સારું.
નહિ તો જે હોદ્દેદારોને મુકવામાં આવશે તે શહેરના માથે અને સંગઠનના માથે થોપી દેવામાં આવ્યા છે તેમ કહેવાશે. શહેરના અનેક પ્રાણ પ્રશ્નો છે જેનું નિરાકરણ લાવવું અનિવાર્ય છે પરંતુ શહેર ઝંખે છે એક સક્ષમ મેયર, સ્થાયી સમિતિના ચેરમેન અને અન્ય હોદ્દેદારો જેઓમાં શહેરનું ભલું કરવાની કે શહેરની યાતનાઓ દૂર કરવાની નીતિ અને નિયતિ બંને હોય. હાલ સુધી જે આવ્યા છે તે તમામે પોતાનું જ ભલું કઈ રીતે થાય તે જ નીતિ અપનાવી છે ત્યારે આગામી સમયમાં નવા હોદ્દેદારો કોણ હશે તેની સહુ રાહ જોઈને બેઠું છે.