વડોદરા પાલિકામાં કમિશનર-સ્થાયી સમિતિ અધ્યક્ષ સ્થાને વિવિધ કામગીરીની સમીક્ષા
ગણેશોત્સવને લઈને હયાત કુદરતી-કૃત્રિમ તળાવોની સાફસફાઈ કરવા સહિતના મુદ્દાઓ બેઠકમાં ચર્ચાયા

વડોદરા મહાનગરપાલિકામાં આજે માનનીય મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે રિવ્યુ મીટીંગ યોજાઈ. નવા કમિશનરના આવ્યાના બાદ પહેલીવાર આ બેઠકમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ પણ હાજર રહ્યા હતા, જેના કારણે પાલિકામાં ચર્ચા શરૂ થઈ. અત્રે નોંધનીય છે કે, નવા કમિશનર અરુણ મહેશ બાબુએ અત્યારસુધી યોજેલી તમામ રિવ્યૂ બેઠકમાં ક્યારેય સ્થાયી સમિતિ ચેરમેન ડૉ શીતલ મિસ્ત્રીને બોલાવતા નહોતા. મીટીંગમાં શહેરના માર્ગો પર પેચવર્ક કરવું, પાણી-ડ્રેનેજ ખોદકામ સ્થળે યોગ્ય બેરિકેડિંગ કરવું, બાગ-બગીચામાં સિક્યુરિટી અને સ્વચ્છતા જાળવવી, ગંદકી ફેલાવનાર પાસેથી દંડ વસૂલવો, નગરગૃહો, લાઈબ્રેરી, સ્વિમિંગ પુલનું મેન્ટેનન્સ, જાહેર માર્ગોના સર્કલો-ડિવાઈડરોનું રીનોવેશન, જાહેર સ્થળો પર સફાઈ જાળવવા બોર્ડ લગાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ.
તળાવોની આસપાસ સફાઈ, પાર્કિંગ પ્લોટમાં સુવિધા, બ્રિજની નીચે પેઇન્ટિંગ, ડસ્ટબિન મુકવા, મોટા પ્રમાણમાં રોપા વિતરણ, ટ્રાફિક સમસ્યા નિવારણ, આવનારા ગણેશોત્સવની કામગીરી, નવી સ્ટ્રીટ લાઇટ, નવા હોટ-વેટ મિક્સ પ્લાન્ટ સ્થાપના સહિતના મુદ્દાઓની સમીક્ષા કરાઈ. સ્વચ્છતા મુદ્દે વોર્ડ ઓફિસરો સાથે પણ બેઠક થઈ અને ગંદકી ફેલાવનાર સામે વધુ દંડ વસૂલી કડક પગલાં લેવા સૂચના અપાઈ. બેઠકમાં આગામી ગણપતિ ઉત્સવ બાદ વિસર્જન માટે તળાવો તૈયાર કરવાની કામગીરી સહિતની ચર્ચાઓ પણ કરવામાં આવી.