Panchmahal

નવરાત્રીના બંદોબસ્તમાં પાવાગઢ આવેલા એસઆરપીના પીઆઇનું અગમ્ય કારણોસર મોત

નડિયાદ એસઆરપી ગ્રુપ- 7 ના પીઆઈ ગણપતભાઇ પાવાગઢની ધર્મશાળામાં રોકાયા હતા, રાતે સૂતા અને સવારે ઉઠ્યા જ નહિ

હાલોલ: યાત્રાધામ પાવાગઢ ખાતે ધર્મશાળાના રૂમમાંથી નડિયાદ SRP ગ્રુપ 7 ના પોલીસ ઇસ્પેક્ટર ગણપતભાઈ પટેલ કોઈ કારણોસર મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. પાવાગઢ પોલીસે એડી નોધી તપાસ હાથ ધરી છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી આસો નવરાત્રીના પાવન પર્વને અનુલક્ષીને એસઆરપી પોલીસનો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. જે એસ.આર.પી પોલીસના બંદોબસ્તની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ખેડા જિલ્લાના નડિયાદ એસ.આર.પી ગ્રુપ 7 ના પોલીસ ઇન્સ્પેક્ટર ગણપતભાઈ રતુભાઈ પટેલ ઉંમર વર્ષ 35 રહે. ધાનેરી તાલુકો.દાંતીવાડા, જીલ્લો. બનાસકાંઠા આવ્યા હતા. જેમાં એસઆરપી પોલીસ ઇન્સ્પેક્ટર ગણપતભાઈ પટેલ પાવાગઢની તળેટી ચાંપાનેર ગામમાં આવેલી શિવ શક્તિ ધર્મશાળાના રૂમમાં ખાતે રોકાયા હતા.જેમાં ગઈકાલે રાત્રિના સુમારે તેઓ શિવ શક્તિ ધર્મશાળાના રૂમમાં સૂઈ ગયા હતા. જેમાં ધર્મશાળામાં રોકાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર ગણપતભાઈ પટેલ આજે ગુરુવારે સવારે મૃત હાલતમાં મળી આવતા શિવ શક્તિ ધર્મ શાળાના ખાતે દોડધામ સાથે ચકચાર મચી જવા પામી હતી. જ્યારે બનાવ અંગેની જાણ તાત્કાલિક સ્થાનિક પાવાગઢ પોલીસને કરવામાં આવતા સ્થાનિક પાવાગઢ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. બનાવની જાણ થતા પાવાગઢ ખાતે બંદોબસ્તમાં જોતરાયેલી એસ.આર.પીની પોલીસ ટીમ પણ ત્યાં ઘટના સ્થળે દોડી આવી હતી. જેમાં પાવાગઢની સ્થાનિક પોલીસે શિવ શક્તિ ધર્મશાળાના રૂમમાંથી કોઈ કારણોસર મોતને ભેટી મૃત હાલતમાં મળી આવેલા ગણપતભાઈ પટેલના મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. બનાવ જાણ થતાં નડિયાદ એસઆરપી ગ્રુપના અધિકારીઓ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર ગણપતભાઈ પટેલના પરિવારજનો પણ હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને 35 વર્ષના યુવાન એવા પોલીસ ઇન્સ્પેક્ટર ગણપતભાઈ પટેલનો મૃતદેહ જોઈ આઘાત અને શોકમાં સરી પડ્યા હતા. આજે રેફરલ હોસ્પિટલ ખાતે તેઓના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે . બનાવ અંતર્ગત પાવાગઢ પોલીસે અકસ્માત મોત એડી અંગેનોનો ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે .

Most Popular

To Top