Dabhoi

નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા

કેનાલની સલામતી સામે ઊભા થયા ગંભીર પ્રશ્નો

ડભોઇ :

ડભોઇ પંથકમાંથી પસાર થતી નર્મદા નહેરની માઇનોર તથા સબ-માઇનોર કેનાલોના સર્વિસ રોડ આજકાલ જાણે હાઇવે બની ગયા હોય તે રીતે ભારદારી વાહનો દ્વારા ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. આ સર્વિસ રોડ પરથી ઓવરલોડ વાહનોની અવરજવર સતત વધી રહી છે, જેના કારણે કેનાલોની સલામતી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. તેમ છતાં નર્મદા નિગમનો કેનાલ વિભાગ આંખ આડા કાન કરી તમાશો જોતો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

ઝાડી-ઝાંખરા અને મોટા ગાબડાઓથી વધતી મુસીબત

કેનાલોમાં ઝાડી-ઝાંખરા ઊગ્યા છે, તો બીજી તરફ ડભોઇથી કરનેટ તરફ જતા કેનાલના સર્વિસ રોડ પર મોટા ગાબડાઓ પણ પડી ગયા છે. ખાસ કરીને ચનવાડા થી કરનેટ તરફના માર્ગ પર ભારદારી વાહનોના કારણે રોડની હાલત દયનીય બની છે.

ખેડૂતો માટે બનાવાયેલા માર્ગ પર ઓવરલોડ વાહનોની દાદાગીરી

નર્મદા કેનાલોના સર્વિસ રોડ મૂળરૂપે ખેડૂતો, ગ્રામ્ય વિસ્તારના રહીશો તથા નિગમના અધિકારીઓ માટે બનાવવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં આ માર્ગો પરથી ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો અને અન્ય ભારદારી વાહનો માતેલા સાંઢની જેમ દોડી રહ્યા છે. ખાસ કરીને મિયાગામ–પોર શાખા કેનાલ, જે ડભોઇ તાલુકાની સૌથી મોટી કેનાલ છે, તેનો સૌથી વધુ દુરુપયોગ થઈ રહ્યો છે.

રેતી ખનન વિસ્તારોમાંથી સીધો હાઇવે સુધીનો રસ્તો

ડભોઇના કરનેટ, માંગરોળ, સીતપુર, ચનવાડા જેવા રેતી ખનન વિસ્તારોમાંથી પસાર થતી આ કેનાલના સર્વિસ રોડનો ઉપયોગ રેતી ભરેલી ટ્રકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ માર્ગ આગળ જઈને સીધો જ નેશનલ હાઇવે સાથે જોડાતા હોવાથી હાઇવે સુધીના રસ્તાઓ પર પણ ખાડા પડી ગયા છે.

નિયમોની ખુલ્લેઆમ અવગણના

નિયમ મુજબ કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોની અવરજવર પર સખત પ્રતિબંધ છે. તેમ છતાં નિયમોની ઐસીતૈસી કરી વાહનો પસાર થતાં રહે છે. આવી સ્થિતિમાં જો કેનાલને નુકસાન થાય કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તંત્ર માત્ર દોડાદોડ અને દેખાવ પૂરતું જાગતું થશે એવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.

આડબંધ દૂર કરનાર સામે કોઈ કાર્યવાહી નહીં

અગાઉ નર્મદા નિગમ દ્વારા ભારદારી વાહનો રોકવા માટે સર્વિસ રોડ પર આડબંધ મૂકવામાં આવ્યા હતા. પરંતુ ન જાણે કોની મહેરબાનીથી કે કોની દાદાગીરીથી આ આડબંધ દૂર કરી દેવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આ મામલે નર્મદા નિગમ દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

ખેડૂતો અને ગ્રામજનોની નિગમ સામે માંગ

જો વહેલી તકે કેનાલના સર્વિસ રોડ પરથી ભારદારી વાહનોની અવરજવર રોકવામાં નહીં આવે તો સર્વિસ રોડની આયુષ્ય પર પ્રશ્નો ઊભા થશે અને ગંભીર દુર્ઘટનાનું જોખમ પણ વધી જશે. તેથી કેનાલના કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતો અને આસપાસના ગામોના રહીશો દ્વારા નર્મદા નિગમ સામે તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠવા પામી છે.

અહેવાલ: સઈદ મનસુરી, ડભોઇ (ફોટો)

Most Popular

To Top