Charotar

નડિયાદ: સરદાર પ્રતિમા પાસે દુકાનોના ફ્લોર તોડી કાંસ સફાઈની હાઇ કોર્ટની મંજૂરી

દુકાનોને ઓછામાં ઓછુ નુકસાન થાય તે રીતે
સરદાર પ્રતિમા પાસેની દુકાનોના ફ્લોર તોડી કાંસની સફાઈ કરવા હાઈકોર્ટે મંજૂરી આપી

નગરપાલિકાએ તમામ ટેકનીકલ બાબતો રજૂ કરી શહેરમાં પાણી ભરાવાની સ્થિતિનો ચિતાર આપ્યો
(પ્રતિનિધિ) નડિયાદ, તા.10
સરદાર પ્રતિમા પાસે વરસાદી કાંસની ઉપર બનાવાયેલી દુકાનોની નીચે કાંસની સફાઈ કરવા નગરપાલિકાએ ફ્લોર તોડવાની કામગીરી શરૂ કરી હતી. જ્યાં દુકાનદારોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને તે વખતે કોર્ટે કામગીરી અટકાવવા જણાવ્યુ હતુ. જો કે, આજે આ મામલે સુનાવણી થઈ અને તે દરમિયાન નગરપાલિકાએ હાઈકોર્ટ સમક્ષ આ બાબતે વિસ્તારપૂર્વક ટેકનીકલ અને સફાઈના અભાવે શહેરમાં પાણી ભરાવવાની સમસ્યા અંગેની રજૂઆત કરી, જે બાદ કોર્ટે સ્ટે હટાવતા આ દુકાનો નીચેની કાંસની સફાઈ માટે મંજૂરી આપી અને દરમિયાન દુકાનોને ઓછામાં ઓછુ નુકસાન થાય તે રીતે કામગીરી કરવાની તાકીદ કરી છે.
માહિતી મુજબ આજે હાઈકોર્ટમાં નડિયાદની કાંસ પરની દુકાનોના ભાડુઆતો દ્વારા કરાયેલી ફરીયાદ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. ગુજરાત હાઈકોર્ટમાં આ સુનાવણી દરમિયાન દુકાનદારોએ પોતાની દુકાનો નગરપાલિકા તોડી નાખશે, તેવો ભય રજૂ કર્યો હતો. જો કે, નડિયાદ નગરપાલિકાએ આ મામલે રીપોર્ટ સબમીટ કરી અને પાલિકા માત્ર અહીંયા સફાઈના હેતુસર ફ્લોર તોડી અને કાંસની સફાઈ કરવા ઈચ્છતિ હોવાનું જણાવ્યુ હતુ. આ ઉપરાંત મામલે ટેકનીકલ બાબતો પણ રજૂ કરી હતી, જેમાં આ 20 પૈકી 15 દુકાનો નીચે જે કાંસ આવેલો છે, તેમાં વચ્ચે કાંસ સફાઈ માટે રાખવામાં આવેલી ગેપમાં દુકાનદારોએ નગરપાલિકાની મંજૂરી વગર સ્લેબ ભર્યો હોવાથી સફાઈ થઈ શકી નથી અને આ 15 દુકાનો નીચે વર્ષોથી સફાઈ ન થઈ હોવાના પગલે ત્યાં 8 ફૂટ ઉંડા કાંસમાં માત્ર 1 ફૂટમાં જ પાણીનો ફ્લો ચાલુ હોય અને 7 ફૂટમાં ગંદકીના થર જામ્યા હોવાનું જણાવ્યુ હતુ. વધુમાં આ સફાઈ ન થઈ શકતા શહેરમાંથી જે પાણીનો ફ્લો આવે અને શેઢી નદીમાં જાય છે, તે ફ્લો અહીંયા ધીમો પડી જતા, શહેરમાંથી પાણી ખૂબ ધીમી ગતિએ વહન થતુ હોવાના પગલે પાણી કલાકો સુધી ભરાઈ રહેતા હોવાની સમસ્યા સર્જાય છે અને તેના કારણે આ દુકાનોની નીચેના કાંસની સફાઈની જરૂરીયાત હોવાનું જણાવાયુ હતુ. જેથી બંને પક્ષોને સાંભળ્યા બાદ હાઈકોર્ટ દ્વારા નગરપાલિકાને આ દુકાનો નીચે જ્યાં જરૂર જણાય ત્યાં ખોદકામ કરી અને સફાઈ કરવાની મંજૂરી આપી છે અને આ દરમિયાન દુકાનોને ઓછામાં ઓછુ નુકસાન થાય તેનું ધ્યાન રાખવાની પણ તાકીદ કરી છે.


ચીફ ઓફીસર અને એન્જીનિયર હાઈકોર્ટમાં હાજર રહ્યા
સરદાર પ્રતિમા પાસેની દુકાનોના ભાડુઆતો દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી પીટીશન અંગે તેનો તમામ વિસ્તારથી રીપોર્ટ તૈયાર કરી અને ચીફ ઓફીસર રૂદ્રેશ હુદળ અને એન્જીનિયર ચંદ્રેશ ગાંધી જાતે જ હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા. જ્યાં વકીલ મારફતે આ મામલે તમામ ટેકનીકલ મુદ્દાઓ સહિતની રજૂઆતો કરાઈ હતી.

પાલિકાએ ખોદકામ કર્યા બાદ સમારકામ કરી આપવાનું રહેશે
ગુજરાત હાઈકોર્ટે પહેલા દુકાનના ભાડુઆતોનો પક્ષ સાંભળ્યો અને તે બાદ નડિયાદ નગરપાલિકાની રજૂઆતને સાંભળી હતી. આ દરમિયાન દુકાનોમાં ખોદકામ કરી અને સફાઈની મંજૂરી આપતા જણાવ્યુ હતુ કે, નગરપાલિકા જે ખોદકામ કરે તેનું સમારકામ પણ નગરપાલિકાએ જ કરવાનું રહેશે.

Most Popular

To Top