ભાજપના કાઉન્સિલરની સસ્તા અનાજની દુકાનમાં કાળા કારોબારનો પર્દાફાશ, SOGને તપાસ સોંપાઈ
- 2171 બોગસ ફિંગર પ્રિન્ટના આધારે અનાજનો વેપલો કરાતો હતો
નડિયાદમાં ભારતીય જનતા પાર્ટીનો જ એક કાઉન્સિલર ગરીબોના હક્કનું અનાજ ચાઉં કરી જતો હોવાનો પર્દાફાશ થતા ચકચાર જાગી છે. રાજ્યના પુરવઠા વિભાગે સપાટો બોલાવતા ડમી ફિંગર પ્રિંન્ટના આધારે આખુ કૌભાંડ આચરવામાં આવતુ હોવાનું ખુલ્યુ છે. આ સમગ્ર મામલે નડિયાદ મામલતદાર દ્વારા ટાઉન પોલીસ મથકે ભાજપ કાઉન્સિલર અને દુકાનમાં કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટર સામે ગુનો દાખલ કરાવ્યો છે. મોડી સાંજે આ સમગ્ર મામલે સ્પેશિયલ ઓફરેશન ગ્રુપને તપાસ સોંપવામાં આવી છે.
રાજ્યના સ્ટેટ પુરવઠા વિભાગે ખેડા જિલ્લાના નડિયાદમાં કબ્રસ્તાન ચોકડી પાસે અમદાવાદી દરવાજા બહાર આવેલ સંજય રમેશચંદ્ર સચદેવની વ્યાજબી ભાવની દુકાનમાં દરોડો પાડયો હતો. જ્યાં મોટાપ્રમાણમાં ગેરરીતિ થતી હોવાની બાતમીના આધારે પુરવઠા વિભાગે દરોડો પાડતા સ્થાનિક મામલતદાર સહિતના અધિકારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતા. આ સસ્તા અનાજની દુકાન નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલર એવા સંજય રમેશચંદ્ર સચદેવની હતી. જેનુ લાયસન્સ પણ હતું.ગાંધીનગરના અન્ન અને નાગરિક પુરવાઠા નિયામકે ઓચિંતો છાપો મારી તપાસ હાથ ધરી હતી. દુકાનમાંથી મળી આવેલ લેપટોપમાં તેમજ પેનડ્રાઇવમાં તપાસ કરાત શકાસ્પદ અંદાજીત 316 ફિંગર પ્રિન્ટ ઇમેજીસ તથા માય ડેટા નામની મોબાઇલ એપ્લીકેશનના સ્ક્રીનશોટની અંદાજીત 2171 ફિંગર પ્રિન્ટ ઇમેજીસ મળી એમ કુલ અંદાજીત 2487 ફિંગર પ્રિન્ટ ઇમેજીસ મળી આવેલ હતી. તેમજ આ ટીમ દ્વારા તપાસ દરમ્યાન દુકાનમાથી શંકાસ્પદ સામગ્રી મળી આવેલ હતી. જેથી આ મળી આવેલ શંકાસ્પદ વસ્તુઓના ડેટા અંગે વિગતવાર તપાસ થવા મામલે આઇ.સી.ટી. ઓફીસર, સાયબર ક્રાઈમ પોલીસ તપાસ હાથ ધરી હતી. અને તમામ વસ્તુઓ કબ્જે લીધી હતી. આ ઉપરાંત આ ઇસમના લાયસન્સમા દર્શાવેલ તેના અન્ય સંગ્રહ સ્થળ તરીકે ઉપયોગમા લેવાતી દુકાન જે નડિયાદમા કપડવંજ રોડ પર આવેલ એસટી નગર પાસે આવેલ યોગીરાજ શોપની બાજુમા હોય ત્યા તપાસ કરતા તપાસણી સમયે ઓનલાઇન દર્શાવતો અનાજનો જથ્થો તથા અનાજનો હયાત જથ્થામા વધઘટ જોવા મળેલ હતી. આ આધારે ઇસમને ઇસ્યુ થયેલ ઓનલાઇન અનાજના જથ્થા તેમજ તેઓની પાસેથી મળી આવેલ હાજર ભૌતિક જથ્થામા તફાવત આવતો હોય, આ ઈસમ રેશનકાર્ડ ધારકો સાથે છેતરપીંડી કરવાના ઇરાદે પોતાને ત્યાં કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટર રાજવિરસિંહ પ્રવિણસિંહ છાસટીયા (રહે. હાથજ છાસટીયા ફળીયુ તા. નડિયાદ) નાઓની સાથે મળી, દુકાનેથી મળી આવેલ શંકાસ્પદ ફિંગર પ્રિન્ટ ઇમેજીસનો બિન અધિકૃત રીતે સંગ્રહ કરી, તેનો દુર ઉપયોગ કરી, અનાજ તેના લાભાર્થીઓ સુધી નહી પહોંચાડી, સગેવગે કરેલ હોવાનુ પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું. અને આ બાબતે આ બંને લોકોએ કોઇ સંતોષકારક જવાબ આપેલ ન હોય, જેથી ઉપરોક્ત સંચાલક દ્વારા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ભંગ અનવ્યે ગેરરીતિ આચરી હોવાનું સ્પષ્ટ થયું હતું. આથી આ બનાવ મામલે નડિયાદ શહેર મામલતદાર શરદકુમાર બાભરોલીયા જાતે ફરિયાદી બની આ દુકાનના સંચાલક અને કોમ્પ્યુટર ઓપરેટર એમ બે વિરૂદ્ધ નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ સંજય રમેશચંદ્ર સચદેવ વોર્ડ નંબર 3માંથી ભાજપનો કાઉન્સિલર છે
આ સામગ્ર જપ્ત કરાઈ
ઓરીજીનલ રેશનકાર્ડ નંગ 23, ઓરીજીનલ આધારકાર્ડ-4, ઓરીજીનલ ચુંટણીકાર્ડ – 1, લેપટોપ નંગ-1, મોબાઈલ નંગ – 3, મંત્રા ડિવાઇસ નંગ – 1, પેનડ્રાઈવ નંગ – 1 મળી આવ્યા છે.
લ્યો..કમ્પ્યુટર ઓપરેટર ગાડી લઈને ફરે છે.
આ સમગ્ર મામલે સૌથી ચોંકાવનારી વિગતો એવી મળી છે કે, ભાજપ કાઉન્સિલરની દુકાનમાં કામ કરતો કમ્પ્યુટર ઓપરેટર રાજવિરસિંહ પ્રવિણસિંહ છાસટીયા (રહે. હાથજ છાસટીયા ફળીયુ તા. નડિયાદ) સામાન્ય કમ્પ્યુટર ઓપરેટર હોવા છતાં પોતાની એક મોંઘી ગાડી ધરાવે છે અને દોઢ લાખની કિંમતનો મોબાઈલ રાખે છે. જેથી ભાજપ કાઉન્સિલર સાથે મળી છેલ્લા કેટલાય વર્ષોથી તે આ કાળા કારોબારમાંથી લાખો રૂપિયા આવક કરતો હોવાનું જાણવા મળ્યુ છે.
સંજય સચદેવ ભાજપના તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ
આ ફરીયાદ નોંધાયા બાદ આજે વહેલી સવારે જ ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સુકાની અજય બ્રહ્મભટ્ટ દ્વારા વોર્ડ નં.3ના કાઉન્સિલર સંજય સચદેવને પક્ષના તમામ હોદ્દા પરથી દૂર કર્યા છે. જો કે, આ વચ્ચે સંજય સચદેવ ભાજપમાં તો માત્ર પ્રાથમિક સદસ્ય છે, જેથી પક્ષમાંથી હાંકી કાઢી સંજય સચદેવને તો કોઈ જ નુકસાન નથી. સંજય સચદેવ વોર્ડ નં.3માં ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા છે, ત્યારે હવે કાઉન્સિલર પદુ છીનવી લેવા પક્ષ દ્વારા કોઈ નિર્ણય લેવાશે કે માત્ર દેખાડા પૂરતી કાર્યવાહીમાં સંતોષ માની લેવાશે, તે ચર્ચાનો વિષય બન્યો છે.