ધર્મશાળામાં મુકાયેલા પુઠાંઓ સળગી ઉઠતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ
2 કલાક પાણીનો મારો ચલાવ્યા બાદ ફાયર બ્રિગેડ આગ પર કાબુ મેળવી શકી
(પ્રતિનિધિ) નડિયાદ, તા.6
નડિયાદમાં સ્ટેશન રોડ પર આવેલી ધર્મશાળામાં આજે એકાએક વિક્રાળ આગ ફાટી નીકળી હતી. આસપાસના દુકાનદારો દ્વારા આ ધર્મશાળામાં મુકાયેલા પુઠા અને અન્ય મુદ્દામાલ પણ આ આગમાં ભસ્મીભૂત થઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે 2 કલાક પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
નડિયાદના સ્ટેશન રોડ પર આવેલી બાબરભાઈની બંધ ખંડેર ધર્મશાળામાં ગુરુવારે સવારે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાની જાણ થતાં તરત જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ધર્મશાળામાં પ્રવેશવાનો માત્ર એક જ માર્ગ હોવાથી, ફાયર કર્મચારીઓએ દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. આગને વધુ ફેલાતી અટકાવવા માટે એમજીવીસીએલની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર અધિકારીના જણાવ્યા મુજબ, જો સમયસર આગ પર કાબૂ ન મેળવાયો હોત તો આસપાસની પાન-મસાલા અને હેર આર્ટની દુકાનોને પણ નુકસાન થઈ શક્યું હોત. લગભગ બે કલાકની સખત મહેનત બાદ ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
તો વળી, આગની જ્વાળાઓ એટલી ભયાનક હતી કે આગના ગોટેગોટા હવામાં ઊડતા જોવા મળ્યા હતા. ધર્મશાળામાં બાજુની દુકાનનો પાન-મસાલાનો સામાન સંગ્રહ કરવામાં આવ્યો હતો, જે આગમાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો.
