આંતરમાળખાકીય સુવિધાઓ અને શહેરના આધુનિકીકરણ પર ભાર અપાયો
પીજ રોડથી કોર્પોરેશન સુધી 198 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ માટે રેલવેનું NOC મળી ગયુ
ડિજિટલ લાયબ્રેરી, પિંક ટોઈલેટ અને સ્માર્ટ પાર્કિંગ જેવી અત્યાધુનિક સુવિધાઓથી નડિયાદનો કાયાકલ્પ કરવાનું આયોજન
(પ્રતિનિધિ) નડિયાદ, તા.19
નડિયાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા વર્ષ 2026-27 માટે 932.68 કરોડનું દ્વિતીય ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં શહેરના મધ્યમ અને ગરીબ વર્ગના નાગરિકોને રાહત આપતા કરવેરાના દરોમાં કોઈ જ વધારો સૂચવવામાં આવ્યો નથી અને હાલના દર યથાવત રાખ્યા છે. બજેટનો મુખ્ય ઉદ્દેશ્ય નડિયાદને વર્ષ 2035 સુધીમાં તમામ માળખાકીય સુવિધાઓથી સજ્જ કરી એક સુવિકસિત શહેર બનાવવાનો છે, જેમાં રોડ, ગટર, પાણી અને ટ્રાફિક મેનેજમેન્ટ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા તરીકેના પ્રથમ વર્ષના અનુભવ બાદ રજૂ કરાયેલા આ બજેટમાં ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓ માટે સૌથી વધુ 50% એટલે કે રૂ. 465.82 કરોડની ફાળવણી કરવામાં આવી છે. શહેરની ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે પીજ રોડથી કોર્પોરેશન સુધી રૂ.198 કરોડના જંગી ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બનાવવાનું આયોજન છે. આ ઉપરાંત, શહેરના મુખ્ય માર્ગોના વિકાસ માટે રૂ. 80 કરોડ, જેમાં ગ્રીન રિંગ રોડ માટે રૂ.25 કરોડ અને આઇકોનીક રોડ માટે રૂ.15 કરોડ ખર્ચવામાં આવશે. વાહનચાલકોની સુવિધા માટે સ્માર્ટ પાર્કિંગ અને ટ્રાફિક સિગ્નલ જેવી આધુનિક સિસ્ટમ માટે પણ બજેટમાં જોગવાઈ કરાઈ છે. શહેરના સંતુલિત વિકાસ માટે નડિયાદમાં સમાવિષ્ટ થયેલી 10 ગ્રામ પંચાયતોના વિસ્તારોને પણ પ્રાધાન્ય અપાયું છે. પીવાના પાણીની લાઈનોના અપગ્રેડેશન માટે રૂ.41 કરોડ અને ડ્રેનેજ માટે રૂ. 47 કરોડની જોગવાઈ કરાઈ છે. ટેકનોલોજીના માધ્યમથી વહીવટ સુધારવા માટે રૂ. 40 કરોડના ખર્ચે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથેનું નવું મહાનગર સેવા સદન બિલ્ડીંગ બનાવવામાં આવશે. પર્યાવરણની જાળવણી માટે રૂ. 22 કરોડના ખર્ચે નવો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) અને તળાવોના વિકાસ માટે રૂ.9.51 કરોડ ફાળવવામાં આવ્યા છે.
શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ બજેટમાં મહત્વના નિર્ણયો લેવાયા છે, જેમાં આંગણવાડી અને શાળાઓના અપગ્રેડેશન માટે રૂ.5 કરોડ તથા અર્બન હેલ્થ સેન્ટર્સ માટે રૂ. 5 કરોડ ફાળવવામાં આવ્યા છે. યુવાનો માટે રૂ.2.9 કરોડના ખર્ચે ‘નમો સેન્ટ્રલ ડિજિટલ લાયબ્રેરી’ અને મહિલાઓ માટે ખાસ ‘પિંક ટોઈલેટ’ તેમજ માત્ર મહિલાઓ માટેનું વેન્ડિંગ માર્કેટ બનાવવાનું આયોજન છે. શહેરના વારસાને જાળવવા હેરીટેજ ડેવલોપમેન્ટ માટે રૂ .13 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે અંતર્ગત ઐતિહાસિક દરવાજા, વાવ અને સંતરામ ટાવરનું રિનોવેશન કરવામાં આવશે.
બોક્ષઃ-
પર્યાવરણ અને જળસંચય: ‘કેચ ધ રેઇન’ અભિયાન હેઠળ 5,000 રિચાર્જ પીટ
શહેરમાં પાણીના સ્તર જાળવી રાખવા માટે 4.7 કરોડના ખર્ચે ‘કેચ ધ રેઇન’ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવશે. જે અંતર્ગત તમામ સરકારી બિલ્ડીંગો અને જાહેર જગ્યાઓ પર 5,000 જેટલા રેઇન વોટર રિચાર્જ પીટ બનાવવાનું લક્ષ્યાંક છે. આ ઉપરાંત, તલાટી બાગને ‘સ્પોન્જ ગાર્ડન’ તરીકે વિકસાવવામાં આવશે. પ્રદૂષણ નિયંત્રણ માટે AQI મોનિટરિંગ સેન્સર લગાવવા અને સોલાર પેનલ દ્વારા વીજળીની બચત કરવા પર પણ ભાર મુકાયો છે.
શહેરી પરિવહન: 32 નવી ઇ-બસ માટે દરખાસ્ત
નડિયાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધાને વેગ આપવા માટે અર્બન ટ્રાન્સપોર્ટ ફંડ હેઠળ 5.8 કરોડની જોગવાઈ કરાઈ છે. કેન્દ્ર સરકારની સ્કીમ હેઠળ 32 નવી P.M. E-Bus માટે દરખાસ્ત કરવામાં આવી છે. શહેરના બસ સ્ટેન્ડોને અપગ્રેડ કરવા માટે 5 કરોડ ફાળવાયા છે, જેનાથી મુસાફરોની સુવિધામાં વધારો થશે.
વેન્ડિંગ માર્કેટ અને રોજગાર: ફેરિયાઓ માટે આયોજન
શહેરના ફેરિયાઓને વ્યવસ્થિત પ્લેટફોર્મ પૂરું પાડવા માટે 4.7 કરોડના ખર્ચે CM મોર્ડન સ્ટ્રીટ વેન્ડિંગ માર્કેટ સ્કીમ અમલી બનશે. આ યોજનામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો અને સ્થાનિક ઉત્પાદકો માટે ‘સ્વદેશી મેળા’નું આયોજન કરવામાં આવશે. વિશેષ કરીને મહિલા વેન્ડર્સ માટે અલગથી માર્કેટની સુવિધા ઊભી કરવાનું આયોજન બજેટમાં કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેવા પ્રયાસ
નડિયાદ મહાનગરપાલિકાના બજેટમાં સૌથી મહત્વની બાબત એ છે કે, બજેટમાં કરેલી અનેક જોગવાઈઓ રાજ્ય સરકારની નવી યોજનાઓ પર જ નિર્ભર છે. જેથી આ પ્રકારના જે કામો રાજ્ય સરકારની યોજનાઓને આધિન છે, તે ત્વરીત શરૂ કરી અને પરીણામ મળે અને છતાં મનપાને આર્થિક ભારણ ન આવે અને રાજ્ય સરકારના નાણાંકીય આયોજનમાંથી જ વિકાસ કામ થાય તે માટે પ્રયાસ કરાયો છે.