Nadiad

નડિયાદ : પ્રગતિનગર પાસે હાઉસિંગ બોર્ડનું ‘જેસીબી રાજ’ : નોટિસ વગર પાંચ મકાનો ધરાશાયી

કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં પોલીસ બંદોબસ્ત સાથે તોડફોડ, તળપદા સમાજના પરિવારો રસ્તા પર
(પ્રતિનિધિ), નડિયાદ. તા.7
નડિયાદ શહેરના એસ.આર.પી. વિસ્તારથી પ્રગતિનગર તરફ જતા નવા રોડની બાજુમાં આવેલા પાંચ રહેણાંક મકાનો પર આજે હાઉસિંગ બોર્ડ દ્વારા અચાનક ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવતા શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ, કોઈપણ પૂર્વ નોટિસ આપ્યા વિના તથા જમીન અને મકાનો અંગે કોર્ટમાં કાયદાકીય વિવાદ ચાલી રહ્યો હોવા છતાં, વહીવટી તંત્રે પોલીસ કાફલા સાથે મકાનો તોડી પાડ્યા હતા.

શહેરમાં વિકાસના નામે બનાવાયેલા નવા રોડની બાજુમાં વર્ષોથી વસવાટ કરતા તળપદા સમાજના પરિવારો આજે એક ઝટકામાં બેઘર બની ગયા. હાઉસિંગ બોર્ડની ટીમ જેસીબી મશીન સાથે નડિયાદ ટાઉન પોલીસના મોટા બંદોબસ્ત સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને મકાનો તોડવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. તંત્રની આ અચાનક કાર્યવાહીથી રહીશોમાં દોડધામ મચી ગઈ હતી.
મકાનોમાં રહેતા વૃદ્ધો, મહિલાઓ અને નાના બાળકોને કલાકોમાં જ ઘર ખાલી કરાવવા મજબૂર કરવામાં આવ્યા હતા. લોકો પોતાનો ઘરવખરીનો સામાન રોડ પર મૂકતા નજરે પડ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ મકાનો અંગે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને અંતિમ નિર્ણય આવવાનો બાકી છે. તેમ છતાં કોઈ લેખિત નોટિસ કે સમય આપ્યા વગર તોડફોડ શરૂ કરવામાં આવી, જે કાયદાકીય પ્રક્રિયાનો ખુલ્લેઆમ ભંગ હોવાનું રહીશોનું કહેવું છે.
ધોળા દિવસે પોતાના આશિયાના ધરાશાયી થતાં તળપદા સમાજના પરિવારોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો. “હવે બાળકો અને વૃદ્ધોને લઈને ક્યાં જવું?” એવો સવાલ લોકો તંત્ર સામે કરી રહ્યા હતા. જોકે, રહીશોની રજૂઆત અને રડારડ વચ્ચે પણ પોલીસની હાજરીમાં જેસીબી દ્વારા મકાનો જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા.
આ ઘટનાને લઈને નડિયાદમાં વિકાસની પ્રક્રિયા, માનવતા અને કાયદાના પાલન અંગે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે.

Most Popular

To Top