નડિયાદ પાલિકાને ટેક્સમાંથી 27.59 કરોડ મળવાનો અંદાજ
નડિયાદ નગરપાલિકાની વર્ષ 2024-25નુ 46.60 લાખની પુરાંત દર્શાવતુ બજેટ સર્વાનુમતે મંજૂર
નડિયાદ નગરપાલિકાની મંગળવારના રોજ બજેટ બેઠક મળી હતી. જેમાં વર્ષ 2024-25નું બજેટ પાલિકાના પ્રમુખે રજૂ કર્યુ હતું. રૂપિયા 4660.39 લાખનું પુરાંતવાળુ વિકાસસલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર થયું હતું. આ ઉપરાંત આ બજેટ બેઠકમાં પ્રમુખ સ્થાનેથી 5 કામોની યાદી પર પણ મંજૂરીની મહોર વાગી છે.
નડિયાદ નગરપાલિકાની મંગળવારે બજેટ બેઠક મળી હતી. બપોરે 12 કલાકે પાલિકાના હોલમાં આ બેઠક મળી હતી. જેમા પાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ, ઉપપ્રમુખ કલ્પેશ રાવળ, ચીફ ઓફિસર રૂદ્રેશભાઈ હુદડ સહિત કાઉન્સિલરો હાજર રહ્યા હતા. આ બજેટ બેઠક માત્ર 38 સેકન્ડમાં જ આટોપી લેવાઈ હતી. રૂપિયા 4660.39 લાખનું પુરાંતવાળુ વિકાસસલક્ષી બજેટ માત્ર 35 સેકન્ડમાં જ મંજૂર થયું અને સભા બરખાસ્ત થઈ ગઈ હતી. આ બજેટમાં વિવિધ સ્ત્રોતોમાં જોઈએ તો, સૌ પહેલા આવકની અંદર જોઈએ તો, ઉઘડતી સંભવિત સિલક આવક રૂપિયા 1949.99 લાખ અંદાજવામાં આવી છે. જ્યારે ટેક્સ આવકમાં રૂપિયા 2759.90 લાખ અંદાજવામાં આવ્યા છે. ભાડાની આવકમાં રૂપિયા 522.60 લાખ અંદાજવામાં આવી છે. તો ફી આવકમાં રૂપિયા 4126.15 અંદાજવામાં આવી છે. આ સાથે સહાયક અનુદાનની આવક રૂપિયા 3994.00 લાખ, વિકાસ યોજનાની આવક રૂપિયા 38066.00 લાખ અસાધારણ આવક 677.00 લાખ અંદાજવામાં આવી છે. જાવકમાં દર્શાવ્યા મુજબ મહેસુલી ખર્ચ રૂપિયા 5566.75 લાખ અંદાજવામાં આવી છે. આવશ્યક સેવા નિર્વહન અને વિકાસ રૂપિયા 3651.30 લાખ, વિકાસ યોજના ગ્રાન્ટ વપરાશ રૂપિયા 37522.00 લાખ, દેવું અને જવાબદારીઓ રૂપિયા 407.00 લાખ અને અસાધારણ ખર્ચ રૂપિયા 288.20 લાખ રૂપિયા અંદજાવામા આવી છે. આમ બંધ સિલક સાથે 52095.64 લાખની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર કરી દેવામાં આવ્યું છે.
પ્રમુખ સ્થાનેથી 6 કામોની યાદી
આ સાથે પ્રમુખ સ્થાનેથી 6 કામોની યાદી રજૂ કરવામાં આવી હતી. જેમાં કારોબારી સમિતીની ભલામણ મુજબ જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદની ગૌશાળા નિભાવણી માટે આવેલ અરજી અન્વયે નિર્ણય થવા બાબત, ફેડરેશન ઓફ સિનિયર કલબ ખેડાની આવેલ અરજી અન્વયે સભાખંડ માટે જગ્યા ઉપયોગ કરવા જરૂરીયાત મુજબ ફાળવવા બાબત, શ્રી સંતરામ સમાધિ સ્થાન નડિયાદની આવેલ અરજી અન્વયે ટી.પી.નં.5,અંતિમ ખંડ નં.126 વૃધ્ધાશ્રમ તથા ગૌશાળા માટે જગ્યા ફાળવી આપવા બાબત, શેલ્ટર હોમ માટે નગર રચના યોજના નં. 5(નડીઆદ) ના અંતિમખંડ નં. 119 વાળી જમીન ફાળવી આપવા બાબત અને ઈમ્પેકટ ફીના કાયદાની અમલમાં છે ત્યાં સુધી ડીમોલેશનની કામગીરી મોકુફ રાખવા બાબતનો સમાવેશ કરાયો છે.
બજેટની વિગતવાર ચર્ચા કરવી જોઈએ : અપક્ષ કાઉન્સિલર
નડિયાદ નગરપાલિકાના અપક્ષ કાઉન્સિલર માજીદખાન પઠાણે જણાવ્યું કે, નડિયાદ નગરપાલિકા મહાનગરપાલિકા બનવા જઈ રહી છે અને 4 લાખ ઉપરાંતની વસ્તી છે ત્યારે ખરેખર તો આ બજેટની વિગતવાર ચર્ચા કરવી જોઈએ કઈ રકમ ક્યાં આવશે અને ક્યાં ખર્ચ થશે તેની વિગતવાર ચર્ચા કરાય પણ દર વખતની જેમ ગણતરીની સેકન્ડમાં જ આ બજેટ બેઠક પૂર્ણ કરી દેવામાં આવી છે. જે ભ્રષ્ટાચારને સમર્થન આપે છે.