Charotar

નડિયાદમાં 15 હજાર સામે આપેલી ગાડી મિત્ર ઓળવી ગયો

આણંદના યુવકે નડિયાદના મિત્ર સાથે છેતરપિંડી આચરી

નડિયાદના વિજયપાર્કમાં રહેતા આધેડે રૂ.15 હજાર ઉછીના માટે તેની કાર આણંદના શખ્સને આપી હતી. જોકે, નાણા ભરપાઇ કરવાનું જણાવવા છતાં આણંદના શખ્સે કાર આપવાની ના પાડી હતી. જે મામલે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નડિયાદના વિજયપાર્ક સોસાયટીમાં રહેતા અને કમિશન એજન્ટ તરીકે કામ કરતાં દક્ષેશકુમાર ભાસ્કરભાઈ ભટ્ટને ફેબ્રુઆરી-2023માં પૈસાની જરૂર ઉભી થઈ હતી. આ અંગે તેઓએ તેમના મિત્ર નિરવ નરેશ પંડ્યા (રહે. કરમસદ)ના મિત્ર રફિક મહેંદીશા દિવાન (રહે.શેરોન સોસાયટી, આણંદ) પાસેથી રૂ.15 હજાર ઉછીના લીધા હતા. આ પૈસા તેઓએ રોકડા આપ્યાં હતાં. આ પૈસાના બદલામાં જે તે સમયે વ્યાજની માગણી કરી નહતી અને તેઓને ટુંક સમયમાં જ પૈસા પરત આપી દેવા બાબતે બાહેંધરી આપી હતી. પરંતુ પૈસાની સગવડ ન થતા 2જી એપ્રિલ,23ના રોજ રાતના સમયે રફિક અને નિરવ ઘરે આવ્યાં હતાં અને પૈસા પરત આપવાનું જણાવ્યું હતું. આ સમયે પણ દક્ષેશકુમાર પાસે પૈસાની સગવડ ન હોવાથી તેઓ આપી શક્યા નહતાં. જેથી રફીક તેની પાસે સિક્યોરીટી પેટે કોઇ વસ્તુ આપવાનું જણાવતાં તે કાર નં.જીજે 6 પીઇ 6672 લઇ ગયો હતો.

આ ગાડી સોંપતા સમયે માસીક હપ્તા અને ઇન્શ્યોરન્સ બાકી હોવાથી ગાડી રોડ પર ફેરવવા બાબતે મેં તેમને ચેતવણી આપી હતી. તેમ છતાં તેઓએ ગાડી નિયમિત ચલાવતાં હતાં. દરમિયાનમાં 12મી ડિસેમ્બર,23ના રોજ પૈસાની સગવડ થતા દક્ષેશકુમાર આણંદ ખાતે રફિકના ઘરે આવ્યાં હતાં અને ગાડી પરત લેવા ગયા હતા. જોકે, રફિકનું ઘર બંધ હતું. આથી, તેને વારંવાર ફોન કરવા છતાં સંતોષકારક જવાબ આપ્યો નહતો. તેમને અલગ અલગ સમયે ફોન કરીને ગાડી પરત આપવાનું જણાવવા છતાં તે સંતોષકારક જવાબ આપવાનું ટાળતો હતો. આ ઉપરાંત ફોન પણ ઉઠાવવાનું બંધ કરી દીધું હતું. આ અંગે નિરવને વાત કરતાં છતાં કોઇ પરિણા મળ્યું નહતું. આખરે આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે રફિક મહેંદી દિવાન (રહે. શેરોન સોસાયટી, આણંદ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top