નડિયાદ: વડોદરાના વેપારીએ લોન પર લીધેલી બીએમડબલ્યુ કારના હપ્તા ન ભરી શકતાં તેણે રીકવરી એજન્ટે જ વેચી દીધી હતી. જોકે, એજન્ટે 6.77 લાખ બાકી રાખી બોગસ દસ્તાવેજથી કાર બારોબાર બીજાને વેચી દેધી હતી. આ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધ્યો હતો. વડોદરાના રણોલી વિસ્તારમાં આવેલ પંચાલ ફળીયામાં રહેતાં દર્શન પ્રફુલભાઈ પંચાલ રેતી-કપચીનો વેપાર કરે છે. તેઓએ બેંકની ડભોઈ શાખામાંથી રૂ.30 લાખની લઇ 2014 ના રોજ બીએમડબલ્યુ કાર ખરીદી હતી. જોકે, આર્થિક સંકળામણને પગલે તેઓ સતત ચાર હપ્તા બેંકમાં ચુકવી શક્યા ન હતાં.
જેને પગલે બેંકના રીકવરી એજન્ટ અલ્પેશ દેવેન્દ્રભાઈ ચૌહાણ (રહે.વસન્દ્રા એપાર્ટમેન્ટ, વડોદરા) બાકી નીકળતાં ચાર હપ્તાની ઉઘરાણી કરવા દર્શન પંચાલની ઓફિસે પહોંચ્યાં હતાં. દરમિયાન તા.4-10-17 ના રોજ રિકવરી એજન્ટ અલ્પેશ ચૌહાણની સાથે બેંકના રીકવરી હેડ અને અન્ય એક કર્મચારી દર્શન પંચાલની ઓફિસે ગયાં હતાં અને જો રૂપિયાની વ્યવસ્થા થઈ શકે તેમ ન હોય તો ગાડી વેચીને પણ હપ્તો ભરવો પડશે તેમ જણાવ્યું હતું. જેનો લાભ લઈ બેંકના રીકવરી એજન્ટ અલ્પેશ ચૌહાણે તે ગાડી ખરીદવાની તૈયારી દર્શાવી હતી. બંને વચ્ચે થયેલી ડિલ દરમિયાન ગાડીની કિંમત રૂ.20 લાખ નક્કી થઈ હતી.
જે પૈકી બેંકના લોનની બાકી નીકળતી રકમ રૂ.13,22,960 ભરવાની અને બાકીના રૂ.6,77,040 દર્શન પંચાલને થોડા દિવસોમાં જ ચુકવી આપવાની બાંહેધરી આપી અલ્પેશ ચૌહાણ ગાડી લઈ ગયો હતો. જોકે, બાદમાં ગાડી ખરીદનાર રીકવરી એજન્ટ અલ્પેશ ચૌહાણે રૂપિયાની વ્યવસ્થા થઈ ન હોવાના બહાના કાઢી ગાડીના માલિક દર્શન પંચાલને રૂ.6,77,040 આપતો ન હતો. દરમિયાન ભેજાબાજ રીકવરી એજન્ટ અલ્પેશ ચૌહાણે ગાડીની બાકી નીકળતી સંપૂર્ણ લોન ભરપાઈ કર્યા બાદ બીએમડબલ્યુ ગાડી ઠાસરના યાસીનમીયાં અલ્લુમીયાં બેલીમને વેચી દીધી હતી. બોગસ આરસી બુક અને ખોટી સહીના આધારે નડિયાદ આરટીઓ કચેરીમાં નામ પણ ટ્રાન્સફર કરાવી લીધુ હતું. આ મામલે દર્શન પંચાલની ફરીયાદને આધારે નડિયાદ ટાઉન પોલીસે અલ્પેશ દેવેન્દ્રભાઈ ચૌહાણ અને યાસીનમીયાં અલ્લુમીયાં બેલીમ સામે ગુનો નોંધ્યો હતો.
નડિયાદ આરટીઓના અધિકારીઓ-કર્મચારીઓ શંકાના દાયરામાં
અલ્પેશ ચૌહાણે ગાડી ઠાસરાના શખ્સને વેચી હતી અને બોગસ ડોક્યુમેન્ટના સહારે નડિયાદ આર.ટી.ઓમાં નામ પણ ટ્રાન્સફર કરાવી લીધું હતું. આની જાણ ગાડીના મુળ માલિક દર્શન પંચાલને થતાં તેઓએ ગાડી ખરીદનાર અલ્પેશ ચૌહાણ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને ગાડીના અસલ ડોક્યુમેન્ટ મારી પાસે હોવા છતાં તમે નામ ટ્રાન્સફર કેવી રીતે કર્યું તેમ પુછ્યું હતું. જેના જવાબમાં અલ્પેશ ચૌહાણે જણાવ્યું હતું કે, આર.ટી.ઓમાં નામ ટ્રાન્સફર કરાવવા માટે અમારે અસલ ડોક્યુમેન્ટની જરૂર નથી. તે જોતાં માથાભારે અને ભેજાબાજ શખ્સો રૂપિયા તેમજ ઓળખાણના જોરે નડિયાદ આર.ટી.ઓ કચેરીના અધિકારીઓ-કર્મચારીઓની મિલીભગતથી આવા કામો આસાનીથી કઢાવી લેતા હોવાનું જણાઈ રહ્યું છે.