Charotar

નડિયાદમાં બસ સાથે અથડાયેલી કારમાં દારૂની બોટલ મળી

એસટી નગર વર્કશોપ બહાર જ કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો 

નડિયાદમાં કાર ચાલકની બેદરકારીથી મોટો અકસ્માત થતા રહી ગયો છે. એસટી નગર વર્કશોપ બહાર જ બસ વર્કશોપમાં દાખલ થતા તે સમયે જ પુરપાટે આવતી કારે બસ સાથે કાર અથડાવી છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. પરંતુ કાર ચાલક કાર મૂકી ફરાર થયો છે.

નડિયાદમાં એસટી નગર વર્કશોપ બહાર રોડ પર રાવિવારની મોડી રાત્રે બસ નંબર (GJ 18 Z 4617) વર્કશોપમા આવી રહી હતી. વર્કશોપમાં દાખલ થતા સમયે ગણપતિ ચોકડી તરફથી પુરપાટે આવતી કાર નંબર (GJ 01 HY 3658)ના ચાલકે ઉપરોક્ત બસને આગળના ભાગે અથડાવી હતી. જેના કારણે બંને વાહનોને નુકશાન થયું હતું. બનાવના પગલે આસપાસના લોકો આવી ગયા હતા. જોકે કાર ચાલક કાર મૂકીને ત્યાંથી નૌદો ગ્યારા થઈ ગયો હતો. ઉપરોક્ત અકસ્માત કરનાર કારમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો નંગ 3 મળી આવી હતી. આ બનાવ મામલે ઉપરોક્ત બસના ચાલક મગનભાઈ ભાથાભાઈ ડાભીએ આ કાર ચાલક વિરૂધ્ધ નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે બસના ચાલક મગનભાઈ ડાભીએ જણાવ્યું કે, હું મારી બસ ડેપોથી વર્કશોપ ખાતે જમા કરાવવા જતો હતો અને મારી બસ વર્કશોપમાં વાળતો હતો. આ સમયે સામેથી આવતી કારે અકસ્માત સર્જ્યો છે. કાર ચાલક દારૂના નશામાં હતો અને કાર મૂકીને રિક્ષામાં ફરાર થયો છે ગાડીમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી છે.

Most Popular

To Top