ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ ખસેડાયો
નડિયાદ |
નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટના ગુનામાં અટકાયત કરાયેલા 21 વર્ષના યુવકે પોલીસ કસ્ટડી દરમિયાન બ્લેડ વડે ગળા તથા ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી આત્મહત્યાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી છે. ગંભીર હાલતમાં ઘવાયેલા યુવકને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પોક્સોના ગંભીર ગુનામાં અટકાયત હેઠળ રહેલો આ યુવક પોલીસ જાપ્તામાં હતો. આ દરમિયાન તેણે કોઈ રીતે બ્લેડ મેળવી લઈ પોતાના ગળા પર તેમજ ગુપ્તાંગના ભાગે ઘા મારી આત્મઘાતી પગલું ભર્યું હતું. પોલીસ સ્ટેશનમાં જ લોહી વહી જતાં તાત્કાલિક તેને નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે તેની હાલત લથડતા પોલીસ એસ્કોર્ટ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસ મથકે જાણકારી નોંધાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી પાસે બ્લેડ જેવી વસ્તુ ક્યાંથી આવી, તેમજ બનાવ સમયે ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓની ભૂમિકા શું હતી તે મુદ્દે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પોક્સો જેવા ગંભીર ગુનામાં પકડાયેલા યુવકે ગભરાટ, માનસિક દબાણ કે અન્ય કોઈ કારણોસર આ કૃત્ય કર્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસની પ્રથમ પ્રાથમિકતા યુવકની સારવાર છે, ત્યારબાદ આત્મહત્યાના પ્રયાસ અંગે પણ કાયદેસરની તપાસ આગળ વધારવામાં આવશે.