Vadodara

નડિયાદમાં પત્નીની હત્યાના અઢી વર્ષ બાદ પુત્રને પણ મારવા પિતાએ એ જ માર્ગ લીધો

પિતા જ બન્યો હેવાન | આણંદના વાસદ પાસે સપ્તાહ પહેલા મળેલા બાળકના કિસ્સામાં ખેડા જિલ્લાના હત્યાનો કેસ ઉકેલાયો

બિલોદરા પાસે અઢી વર્ષ પહેલા પત્નીનું ગળુ દબાવી હત્યા કર્યા બાદ દિકરીને મારવા કોશિષ કરી હતી
પિતાના હાથથી બચી ગયેલી ચાર વર્ષની બાળકીએ તેના ભાઇને ઓળખી કાઢતાં સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો

(પ્રતિનિધિ) નડિયાદ તા.13
આણંદના વાસદ પાસે 7મી ફેબ્રુઆરીના રોજ ગંભીર રીતે ઘાયલ 5 વર્ષિય બાળક મળી આવ્યો હતો. આ બાળકના માતા – પિતાની શોધ દરમિયાન અઢી વર્ષ પહેલા થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાતા ચકચાર મચી ગઈ છે. બિલોદરા પાસે અઢી વર્ષ પહેલા પરિણીતાની હત્યા કરી લાશને ફેંકી દેવામાં આવી હતી. આ લાશ પાસે જે તે સમયે એક બાળકી મળી આવી હતી. જેની પુછપરછ દરમિયાન પરપ્રાંતિય પરિવાર હોવાનું ખુલ્યું હતુ. પરંતુ ઓળખ અંગે કડી ન મળતાં આ કેસ ફાઇલમાં દફન થઇ ગયો હતો. બીજી વાસદ ખાતે મળેલા બાળક અને અનાથ આશ્રમમાં રહેલી બાળકી બન્નેની આંખો મળતી હોવાથી પોલીસે વિડીયો કોલ માધ્યમમાં વાત કરાવતા બન્ને સગા ભાઇ – બહેન હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ અંગે ખેડા પોલીસે ટીમ કામે લગાડતાં આ ભાઇ – બહેનના માતાનું અઢી વર્ષ પહેલા તેના પિતા જ હત્યા કરી હતી. આ સાથે સંતાનોની હત્યા પણ કરવા કોશિષ કરી હતી. પરંતુ નસિબ જોગે સંતાનો બચી ગયા હતા અને સમગ્ર પાપનો ભાંડો ફુટ્યો હતો.
નડિયાદ શહેરના બિલોદરા પાસે છઠ્ઠી ડિસેમ્બર, 2022ના રોજ એક્સપ્રેસ હાઈવે નજીક ઝાડી – ઝાંખરામાંથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. આ સમયે તેની બાજુમાં 3 વર્ષની બાળકી પણ મળી આવી હતી. આ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરતાં મહિલાનું ગળે ટુંપો આપી હત્યા કરાઇ હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જ્યારે 3 વર્ષની બાળકીને નડિયાદની માતૃછાયા અનાથ આશ્રમમાં મોકલી આપી હતી. આ હત્યાનો ભેદ ઉકેલવા બાળકીનું કાઉન્સિલીંગ કરાયું હતું. જેમાં ફક્ત મૃતકનું નામ પૂજા અને તે તેની માતા હોવાનું રટણ કરતી હતી. જ્યારે તેની હત્યા તેના પિતાએ કરી હોવાની કડી મળી હતી. અલબત્ત, આ કાઉન્સિલીંગમાં બાળકી ઉત્તરપ્રદેશની બોલીમાં વાત કરતાં પોલીસે જે તે સમયે ઉત્તરપ્રદેશની દિશામાં ટીમ દોડાવી હતી. પરંતુ કોઇ સફળતા ન મળતાં તપાસની ફાઇલ અભેરાયે ચડી ગઈ હતી.
દરમિયાન એક સપ્તાહ અગાઉ 7મીના રોજ વાસદ પોલીસ સ્ટેશન ખાતે એક 5 વર્ષનું બાળક ઘવાયેલી હાલતમાં મળી આવ્યું હતું. જેના બંને પગે ઈજા હતી. આ બાબત ખેડા જિલ્લા પોલીસને ધ્યાને આવતાં બિલોદરા હત્યા સાથે કેટલીક બાબતો સામાન્યતા જોવા મળી હતી. આ સામ્યતા વાળી કડીમાં ખાસ તો બંને બાળકો પોતાના પિતાનું નામ ઉદય બોલતા હતાં. આ ઉપરાંત વાસદથી મળેલા બાળક અને સવા બે વર્ષ અગાઉ મળી આવેલી બાળકી આંખો ચેક કરતા સમાન આવતી હતી. આથી પોલીસે આ બંને બાળકોને વીડિયો કોલ મારફતે ભેગા કરતા મોટી બહેને તેના ભાઈને ઓળખી બતાવ્યો હતો. આખરે પોલીસને હત્યા કેસ ઉકેલાવાની આશા જાગતા તાત્કાલિક માતૃછાયા અનાથ આશ્રમ ખાતે તેના ભાઈને લાવવામાં આવ્યો હતો. જ્યાં બંને બાળકોના પિતા ઉદય પ્રેમચંદ વર્મા (રહે.હાલ અમદાવાદ, સોનીની ચાલી, મુળ રહે.ઉત્તરપ્રદેશ) હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે તાત્કાલિક ટીમો દોડાવી ઉદયની પકડી નડિયાદ લાવવામાં આવ્યો હતો. જ્યાં આગવીઢબે પુછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને પત્નીની હત્યાની કબુલાત કરી હતી. આ ઉપરાંત બન્ને સંતાનોની હત્યા માટે પણ કોશિષ કરી હતી. પરંતુ જે તે સમયે તેઓ મૃત્યુ પામ્યા હોવાનું માની તે જતો રહ્યો હતો. ‘રામ રાખે તેને કોણ ચાખે ?’ બન્ને ભાઇ – બહેન જીવતાં રહેતાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

પિતાનો ફોટો જોઈને ખુશીએ ઓળખી બતાવ્યાં
ખેડા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ સહિતની વિવિધ ટીમ દ્વારા બન્ને બાળકો પાસેથી મળેલી હકિકત આધારે તપાસ કરવામાં આવી રહી હતી. પ્રાથમિક તપાસમાં બાળકીનું નામ ખુશી અને બાળકનું નામ કનૈયા હોવાનું ખુલ્યું હતું. તેના પિતાનું નામ ઉદય જણાવ્યું હતું. આથી, પોલીસે ઉદયના રહેણાંક વિસ્તાર, સરનામાની ઓળખ કરવા માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ અને માતૃછાયા બાળ સંભાળ સંસ્થાને સાથે રાખી કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ઉદય સુધી પહોંચવામાં સફળતા મળી હતી. જોકે, ઉદયે કનૈયા વિષે અલગ અલગ નિવેદનો આપતો હતો. પરંતુ પોલીસે ઉદયનો ફોટો માતૃછાયા અનાથ આશ્રમ ખાતે મોકલી ખુશી તથા કનૈયાને બતાવતા તેઓએ તેના પિતા ઉદય હોવાનું જણાવ્યું હતુ. આથી, પોલીસે તેની અટક કરી નડિયાદ લાવ્યાં હતાં. જ્યાં આગવીઢબે પુછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને ડિસેમ્બર-2022માં રાત્રિના સમયે અમદાવાદથી નડિયાદ આવી નેશનલ હાઈવે પર બિલોદરા પાસે અવાવરૂ જગ્યા લાગતા બાળકી તથા તેની પત્ની પૂજા (સાયરાબાનુ) તથા કનૈયાને લઇ રોડથી નીચેની તરફ ઉતરી ગયો હતો. જ્યાં બન્ને બાળકોને જમીન પર બેસાડી પૂજાના જ ડ્રેસના દુપટ્ટથી ગળુ દબાવી હત્યા કરી નાંખી હતી. બાદમાં ખુશીને મારી નાંખવાની કોશીષ કરી હતી અને મૃત માની સ્થળ પર તરછોડીને ભાગી ગયો હતો. બાદમાં તેણે આ જ રીતે 7મી ફેબ્રુઆરીના રોજ કનૈયાને તે જ રીતે તરછોડી દીધો હતો. આ કબુલાત આધારે પોલીસે ઉદયરાજ પ્રેમચંદ્ર વર્મા (રહે.પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ હાલ રહે. અમદાવાદ) સામે કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top