પ્રતિનિધિ) નડિયાદ, તા.28
ભારે વરસાદને કારણે નડિયાદ શહેરમાં ભરાયેલા પાણી ઓસર્યા બાદ મહાનગરપાલિકા દ્વારા સફાઈ કરીને ગરનાળા ફરી કાર્યરત કરાયા છે. આમાં શ્રેયસ, ખોડીયાર માતા અને માઈ માતાના ગરનાળાનો સમાવેશ થાય છે, જેનાથી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર વચ્ચેનો વાહનવ્યવહાર ફરી સરળ બન્યો છે અને વાહનચાલકોને મોટી રાહત મળી છે.

વરસાદી સીઝનને ધ્યાનમાં રાખીને, નડિયાદ કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં મનપા કમિશનરની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વરસાદ, પાણી ભરાવાની ઘટનાઓ, અને તંત્રની તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને મનપા કમિશનરે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કમિશનરે જણાવ્યું કે ખેડા જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ છે અને આગામી બે દિવસ પણ વરસાદની આગાહી છે, તેથી નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળે ખસી જવા અને પાણીના પ્રવાહમાંથી પસાર થવાનું ટાળવા અપીલ કરાઈ છે.

નડિયાદ શહેરમાં ગઈકાલે, 27 જુલાઈએ, 222 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે અન્ય તાલુકાઓમાં પણ 100 મિલીમીટર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે ખેડા જિલ્લામાં કોઈ અણબનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે આજે, સોમવાર, 28 જુલાઈ, 2025ના રોજ તમામ આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. નાગરિકોને કોઈપણ સમસ્યા કે કટોકટીમાં ટોલ ફ્રી નંબર 1077 અને કંટ્રોલ રૂમ નંબર 0268-2553356, 2553357 પર સંપર્ક કરવા જણાવાયું છે.