Charotar

નડિયાદનો મહેફિલ કાંડ, 3 પીઆઈ સામે કાર્યવાહી કરવા હાઈકોર્ટમાં દાદ મંગાઇ

નડિયાદમાં સસ્પેન્ડેડ 3 પોલીસ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહી ન થતાં હાઈકોર્ટમાં ધા નાંખી

(પ્રતિનિધિ) નડિયાદ, તા.10

ખેડા જિલ્લા પોલીસને ફરી એકવાર હાઈકોર્ટનું તેડુ આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. અગાઉ માતરના ઊંઢેલા પ્રકરણ અને ત્યારબાદ સરકારી સાક્ષી સાથે પોલીસના વ્યવહારની બાબત હાઈકોર્ટ પહોંચી હતી. ત્યારે હવે નડિયાદના એક જાગૃત નાગરીક 3 પોલીસ ઈન્સપેક્ટર્સની દારૂની મહેફીલનો મુદ્દો હાઈકોર્ટમાં લઈ ગયા છે. જ્યાં દારૂની મહેફીલ વખતે થયેલી મારામારીનો વીડિયો સામે આવ્યો હોય અને આ વીડિયોમાં દારૂની બોટલો દેખાવા છતાં પ્રોહીબીશનનો ગુનો દાખલ ન કરાયો હોય, તેમજ ત્રણેય પી.આઈ. સામે યોગ્ય કાર્યવાહી ન કરાઈ હોવાથી જિલ્લા પોલીસની સામે હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવી છે.

નડિયાદ ટાઉનના તત્કાલિન પી.આઈ. હરપાલસિંહ ચૌહાણ, પશ્ચિમના વાય.આર. ચૌહાણ અને વડતાલ પી.આઈ. આર. કે. પરમારનો તેમના મિત્રો શ્લેષ પટેલ અને મનીષ જૈન સહિતના કેટલાકની હાજરીનો એક વીડિયો વાયરલ થયો હતો. પોલીસ ક્વાર્ટર્સમાં યોજાયેલી દારૂની મહેફીલમાં આ ત્રણેય પી.આઈ. બેઠા હતા. આ દરમિયાન તેમના 2 મિત્રો વચ્ચે મારામારી થઈ અને 3 પી.આઈ. છોડાવવા વચ્ચે પડ્યા. આ ઘટનાની એક ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી. જેથી જિલ્લા પોલીસ વડા ખાખીની બદનામી ભાળી જતા પહેલા ત્રણેયને લીવ રીઝર્વમાં અને વિવાદ વધતા આ ત્રણેય પી.આઈ.ને સસ્પેન્ડ કરી ખેડા હેડક્વાર્ટરમાં મૂકી દીધા હતા. આ ઘટનાના પ્રત્યાઘાત છેક રાજ્યકક્ષાએ પડ્યા હતા અને અનેક આઈ.પી.એસ. અધિકારીઓ આ પી.આઈ.ને સંરક્ષણ આપવા માટે બંધ બારણે પ્રયત્નશીલ બન્યા હતા. ખેડા પોલીસે ડી.વાય.એસ.પી. વિમલકુમાર બાજપાઈને તપાસ સોંપી અને અત્યાર સુધી આ તપાસમાં શું કરાયું તે અંગે કોઈ જ માહિતી બહાર આવવા ન દીધી. માત્ર ખાતાકીય તપાસના નામે ત્રણેય પી.આઈ.ને બચાવવા પ્રયાસ થયા હોવાનો આક્ષેપ ઉઠ્યો હતો. આ વચ્ચે નડિયાદના એક જાગૃત નાગરીકે પ્રથમ રાજ્ય સરકારે જાહેર કરેલા 14449 પર ફરીયાદ નોંધાવી અને ત્યાંથી પણ ન્યાયની અપેક્ષા ન જણાતા જાગૃત નાગરીકે આ સમગ્ર મામલે હાઈકોર્ટમાં ત્રણેય પી.આઈ. સામે ફરીયાદ દાખલ કરી છે. જ્યાં પ્રોહીબીશનની ફરીયાદ ન નોંધી હોવા ઉપરાંત તપાસમાં ઢીલ રાખી ત્રણેય પી.આઈ.ને બચાવવામાં આવ્યા હોવાનું જણાવી નિષ્પક્ષ તપાસ અને જાહેરહિતમાં કાર્યવાહી કરવાની દાદ માંગવામાં આવી છે. ત્યારે ખેડા પોલીસને અનેકવાર હાઈકોર્ટમાંથી લતાડવામાં આવી છે, ઊંઢેલા પ્રકરણમાં તો ખેડા જિલ્લા પોલીસની આબરુનું ધોવાણ થયુ હતુ. ત્યારે વધુ એકવાર ખેડા પોલીસની એક ગંભીર ઘટના હાઈકોર્ટમાં પહોંચી છે.

Most Popular

To Top