નડિયાદ: પ્રોહિબિશનના ગુનામાં બિલોદરા જેલમાં બંધ કાચા કામના કેદી બુટલેગરની તબિયત લથડતાં તેને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જે દરમિયાન આ કેદી પોલીસને ધક્કો મારીને ફરાર થઈ ગયો હતો. આ મામલે નડિયાદ ટાઉન પોલીસે ફરાર કેદી સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.
નડિયાદ ટાઉન પોલીસમથકની હદમાં પ્રોહીબીશનનો ગુનો આચરનાર બુટલેગર સાહીલ ઉર્ફે જવો અર્જુનભાઈ માળી (રહે.ગોત્રી, દિવાળીપુરા કોર્ટ પાછળ, વડોદરા) ને જિલ્લા જેલ બિલોદરા ખાતે કોર્ટ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો.
દરમિયાન બુટલેગર સાહીલ ઉર્ફે જવો માળીની તબિયત લથડતાં તેને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ગત ગુરૂવારના રોજ તે સારવાર હેઠળ હતો. દરમિયાન હોસ્પિટલના નર્સના કહેવાથી બે પોલીસકર્મીઓ, કેદી સાહીલ માળીને વોર્ડમાંથી બહાર કાઢી નીચેના માળે ડોક્ટરને બતાવવા લઈ જઈ રહ્યાં હતાં. તેઓ પગથિયા નજીક પહોંચ્યાં તે વખતે કેદી સાહીલ ઉર્ફે જવો માળી એકદમ જ પોલીસકર્મીને ધક્કો મારી, ભાગી ગયો હતો. આ મામલે પોલીસકર્મી શૈલેષભાઈ ચૌહાણની ફરીયાદને આધારે નડિયાદ ટાઉન પોલીસે ભાગેડું કેદી સાહીલ ઉર્ફે જવો અર્જુનભાઈ માળી સામે ગુનો નોંધી, તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે. અલબત્ત, બુટલેગર આ રીતે ફરાર થઇ ગયો હોવાથી સમગ્ર શહેરમાં મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.