Charotar

નડિયાદની કેડીસીસી બેંકનું ભંડોળ રૂ. 2983 કરોડ પર પહોંચ્યું 

ખેડા ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટીવ બેંકમાં પ્રથમ વખત રૂ.51 કરોડનો ગ્રોસ નફો થયો

બેંકનું કુલ ધિરાણ 1269 કરોડ પર પહોંચ્યું, ડિવિડન્ડમાં 50 લાખનો વધારો કરાયો

(પ્રતિનિધિ) આણંદ તા.4

ચરોતરની સહકારી સંસ્થામાં અગ્રણી ખેડા ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટિવ બેન્ક (કેડીસીસી)એ વર્ષ 2023-24માં રેકર્ડ બ્રેક સિદ્ધિ હાંસલ કરી છે. બેંકના પોતાની માલીકીના ફંડો રૂ.258 કરોડ સુધી પહોંચ્યા છે. જેમાં 31મી માર્ચ,24ના રોજ રૂ.19 કરોડનો વધારો થયો છે.

આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં 82થી વધુ બ્રાંચ ધરાવતી કેડીસીસી બેંકમાં પ્રથમ વખત ગ્રોસ નફો નં.51 કરોડ થયો છે. જે બેંકના અત્યાર સુધીના ઇતિહાસમાં રેકર્ડ સમાન છે. આ વર્ષના અંતે ધારા ધોરણ મુજબ તમામ જોગવાઇ કર્યા બાદ કુલ ચોખ્ખો નફો રૂ.31 કરોડ થયો છે. આમ બેંકે ચોખ્ખા નફામાં ગત વર્ષ કરતાં રૂ. એક કરોડનો વધારો કર્યો છે. આ ઉપરાંત બેંકનું કામકાજનું ભંડોળ હાલ રૂ.2983 કરોડ સુધી પહોંચ્યું છે. જેને આગામી સમયમાં રૂ.10 હજાર કરોડ સુધી બહોંચાડવાનું લક્ષ્યાંક છે. તેવી જ રીતે બેંકમાં 30 હજાર જેટલા નવા ખાતેદારોનો વધારો થયો છે. જેથી બેંકની થાપણોમાં રૂ.2502 કરોડ જેટલો વધારો થયો છે. બેંકે ગત વર્ષ દરમિયાન રૂ.289 કરોડ જેટલું ધિરાણ વધાર્યું છે. જેના પરિણામે બેંકનું કુલ ધિરાણ રૂ.1269 કરોડ થયું છે. બેંક સભાસદોને આપવાના ડિવિડન્ડના અંદાજીત રૂ.50 લાખની વધારે જોગવાઇ કરી ડિવિડન્ડમાં વધારો કરી શકે છે. બેંકે રિઝર્વ બેંક તથા નાબાર્ડના વિવિધ માપદંડોનું સતત પાલન કર્યું છે. બેંકના ચેરમેન તથ સંચાલક મંડળના માર્ગદર્શન હેઠળ સુયોજીત સંચાલ થકી ગ્રોસ એનપીએમાં રૂ.12.04 કરોડ જેટલો ઘટાડો કર્યો છે. જેથી બેંકનું હાલનું એનપીએ માત્ર રૂ.3.66 ટકા રહ્યું છે.

આ સાથે બેંકના સંચાલક મંડળ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરી સેવા સહકારી મંડળીઓની નફાકારકતા વધે તે અંગેના વિશેષ પ્રયત્ન હાથ ધર્યાં છે. જે સંદર્ભે આગામી વર્ષનો ચોખ્ખો નફો રૂ.31 કરોડથી વધારી રૂ.40 કરોડ સુધી લઇ જવાનો લક્ષાંક રાખ્યો છે. સૌથી મહત્વની બાબત એ છે કે, બેંકના કાર્યક્ષેત્રની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને બેંક સાથી બનાવીને મંડળીના સભાસદોને દૂધ બિલના નાણાં ગામમાં જ પુરા પાડી તેવી વ્યવસ્થા ઉભી કરી જિલ્લા બેંક આપણી બેંક આપના આંગણે સૂત્રને સાર્થક કરી બેંક સાથીને રૂ.51 લાખનું મહેનતાણું ચુકવવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, બેંકના 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત 2023માં 2146.81 કરોડ સામે 2024માં 2502.33 કરોડ સાથે રૂ.355.52 કરોડ સાથે 16.56 ટકાનો વધારો થયો છે. તેની સામે 2023માં 980.11 કરોડ સામે 2024માં 1269.49 કરોડ થયો છે.

Most Popular

To Top