નડિયાદમાં મારામારી આગળ ધરી ‘મહેફીલનો નશો’ ઉતારવાની પેરવી
PI મહેફીલ પ્રકરણની તપાસમાં સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ અને નાયબ પોલીસ અધિક્ષકની ભૂમિકા શંકાસ્પદ
ખેડા જિલ્લા પોલીસના 3 પોલીસ ઇન્સ્પેક્ટરની મહેફીલનો નશો લોકોના માનસ પરથી ઉતારવા માટે આખુય પોલીસ તંત્ર કામે લાગી ગયુ છે. ખાસ કરીને આણંદના 2 મિત્રોની મારામારીને મોટી બનાવી દારૂની આખી મહેફીલને ભુલાવી દેવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આમ પોલીસ વિભાગમાં ખાતાકીય તપાસના નામે ખેલ પાડવા માટે તપાસકર્તાથી માંડી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જહેમત કરી રહ્યા હોવાનું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. જે રીતે રૂપિયા ખર્ચીને માધ્યમોમાં માર્કેટિંગ થઈ રહ્યું છે તે શિસ્તબદ્ધ કહેવાતા પોલીસ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓની જાણ બહાર થઇ રહ્યું છે કે જાણવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તે સવાલ ખુદ પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યો છે.
ખેડા જિલ્લા પોલીસના 3 પોલીસ ઇન્સ્પેક્ટર વાય.આર. ચૌહાણ, એચ.બી. ચૌહાણ અને આર.કે. પરમારની દારૂ મહેફિલમાં ભીનુ સંકેલવા પેરવી શરૂ થઇ ગઇ છે. હાલમાં પોલીસ વિભાગ અને તેમના મળતીયાઓ દ્વારા 2 મિત્રોની અંગત બાબતની મારામારીનો મામલો મોટો બનાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. 24મી તારીખે વાયરલ થયેલા 3 પોલીસ ઈન્સપેક્ટર્સ અને તેમના મિત્રોની દારૂ પાર્ટીનો વીડિયો પોલીસ પ્રશાસન માટે માથાનો દુઃખાવો બન્યો છે. જો કે, કોઈપણ ભોગે ત્રણેય પોલીસ ઇન્સ્પેક્ટરને ક્લીનચીટ આપી દેવા માટે આખુ પ્રશાસન કામે લાગ્યુ છે. જેના ભાગરૂપે આણંદના શ્લેશ પટેલ અને મનીષ જૈન વચ્ચે તેમની અંગત બાબતોમાં ઝઘડો થયો હોવાનું રેકર્ડ પર લાવી દારૂ અને મહેફીલ બંને ગાયબ કરી દેવા માટે પ્રયાસ હાથ ધરાયા છે.
જો કે, 17 સેકન્ડના વીડિયોમાં દારૂની મોંઘી બોટલો સ્પષ્ટ જોઈ શકાય છે. જો કે, આ સમગ્ર બિના વચ્ચે તપાસકર્તા નાયબ પોલીસ અધિક્ષક અને જિલ્લા પોલીસ વડા પણ ખાતાકીય તપાસના નામે ખેલ પાડવા માટે પ્રયત્નશીલ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ સાથે જ પોલીસ આ ઘટના પોલીસ ક્વાર્ટર્સમાં બની છે કે કેમ તે અંગે પણ સ્પષ્ટતા કરવા તૈયાર નથી. પોલીસ હાલ ખાતાકીય તપાસની વાતો કરી ત્રણેય પોલીસ ઇન્સ્પેક્ટરને ક્લીનચીટ આપી દેશે, તે વાત હવે નિશ્ચિત મનાઈ રહી છે. જો કે, આ વચ્ચે ગૃહ વિભાગ આ સમગ્ર બાબતે સીધો હસ્તક્ષેપ કરી જિલ્લા બહાર તપાસ સોંપે છે કે કેમ તે અંગે હવે જોવુ રહ્યુ.
સસ્પેન્ડેડ 3 પોલીસ ઇન્સ્પેક્ટરના રાજમાં દારૂની રેલમછેલ
દારૂના બુટલેગરો સાથેની આ પોલીસ ઈન્સપેક્ટર્સની મિત્રતાના પણ અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. સસ્પેન્ડ થયેલા પોલીસ ઈન્સપેક્ટર આર. કે. પરમાર મોડાસા એલસીબીમાં હતા, ત્યારે તેમની કચેરીમાંથી જ દારૂ પકડાયો હતો. તો વળી, સસ્પેન્ડ થયેલા ટાઉન પી.આઈ. હરપાલસિંહ ચૌહાણના સસ્પેન્શનના બીજા જ દિવસે નડિયાદ ટાઉન હદ વિસ્તારના આંબાવાડીયા નજીકથી રાજ્યની સૌથી મોટી દેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ ગઈ. આટલુ જ નહીં, નડિયાદ પશ્ચિમમાં ગઈકાલે જે બુટલેગર ગીરીશ પ્રજાપતિનો મુદ્દામાલ ઝડપાયો, તે પણ સસ્પેન્ડ થયેલા પોલીસ ઈન્સપેક્ટર વાય. આર. ચૌહાણના કાર્યકાળમાં જ ફૂલ્યોફાલ્યો હતો. તેમજ એક વર્ષ પહેલા જ મોટા કેસમાં પકડાયો હોવા છતાં વાય. આર. ચૌહાણની છત્રછાયામાં તેણે ફરી દારૂ સપ્લાય શરૂ કર્યો હતો.
વીડિયો FSLમાં મોકલાયો કે કેમ તે ઊંડી તપાસનો વિષય
આ સમગ્ર મામલે હાલ પોલીસ FSLના રીપોર્ટની રાહ જોતી હોવાનું જણાવી રહી છે. પરંતુ આ વચ્ચે સૌથી ચર્ચાસ્પદ મુદ્દોએ છે કે, પોલીસે કઈ દિશામાં તપાસ કરી. પારદર્શી વહીવટની વાતો વચ્ચે રાજ્યના જાહેર સેવક તરીકે ફરજ બજાવતા ત્રણ પી.આઈ.નો દારૂ સાથે વીડિયો આવતા તે અંગે તપાસ જાહેર રાખવાની બદલે પોલીસ ખાનગી રાખી કંઈક રાંધી રહી હોવાનું ફલિત થઈ રહ્યુ છે. તો આ સમગ્ર મામલે વાયરલ થયેલો વીડિયો FSLમાં મોકલાયો છે કે કેમ તે પણ ઊંડી તપાસનો વિષય છે.
ભાગબટાઈમાં આડોડાઈ થઈ હોવાની ચર્ચા
નડિયાદ શહેરમાં ચાલતા દારૂના મોટા કટીંગમાં ભાગબટાઈમાં આડોડાઈ થતા વીડિયોકાંડ ઉભો કરી ત્રણેય પી.આઈ.નો રાજકીય રીતે ભોગ લેવાયો હોવાની પણ ચર્ચા છે. જેમાં એક અગ્રગણ્ય સત્તાધારી હોદ્દેદારની ત્રણેય પોલીસ મથકો પરનો પ્રભાવ ઘટાડવા માટે તેમના માનીતા પોલીસ ઈન્સપેક્ટર્સનો ભોગ લેવાયો હોવાનું મનાય છે. ત્રણ પી.આઈ.નો ભોગ લીધાના ગણતરીના દિવસોમાં ટાઉન અને પશ્ચિમ બંનેની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલે સપાટો બોલાવ્યો છે, તેમાં પણ રાજકીય સોગઠા ગોઠવાયા હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.
નડિયાદના 3 વિવાદિત પીઆઈને બચાવવા રૂપિયા ખર્ચીને થતું માર્કેટિંગ પોલીસનાં શિસ્તના દાયરામાં નથી આવતું?
By
Posted on