*મહાસુદ પૂનમે મંદિર પરીસર ‘જય મહારાજ’ના જય ઘોષથી ગૂંજી ઉઠ્યુ
*સાંજે 6 વાગ્યાના ટકોરે ભક્તો મંદિર પરિસરમાં જ્યાં જગ્યા મળી ત્યાં ગોઠવાયા
ગુજરાત સહિત દેશમાં આસ્થાનુ અને સેવા તીર્થધામ નડિયાદ ખાતેનું સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે મહા સુદ પૂનમની ઉજવણી કરવામાં આવી છે. જેમાં ઢળતી સંધ્યાએ મંદિરમાં ‘દિવ્ય સાકરવર્ષા’ કરવામાં આવી હતી. મહાઆરતી બાદ યોજાયેલ આ સાકરવર્ષા સમયે હજારો શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં ઉમટ્યા હતા અને ‘જય મહારાજ’ ના જય ઘોષથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. વર્ષમાં ફક્ત આ દિવસે થતી મહાઆરતીના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં સંતરામ મહારાજનો 193મો સમાધિ મહોત્સવ મંદિરના મહંત રામદાસજી મહારાજના સાંનિધ્યમાં આસ્થાભેર યોજાયો છે. જેમાં સાંજે 6 કલાકે મંદિરમાં મહાઆરતી અને દિવ્ય સાકરવર્ષા થઈ હતી. મહાઆરતી બાદ પૂ. રામદાસજી મહારાજ દ્વારા સૌ પ્રથમ સાકર વર્ષા કર્યા બાદ શાખા મંદિરનાસંતો તથા અન્ય સંતો તથા 150થીવધુ સ્વયં સેવકો દ્વારા મંદિરમાં ઠેર ઠેર બનાવેલા પ્લેટફોર્મ પરથી સાકરવર્ષા કરવામાં આવી હતી. સાકર સાથે કોપરૂ મિશ્રની કરી વર્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભજન મંડળીઓ દ્વારા પુરેપુરો દિવસ મંદિરમાં ભજનોની રમઝટ જામી હતી. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના સમાધિ મહોત્સવ ટાંણે દેશ વિદેશમાં રહેતા જય મહારાજ ભક્તો ખાસ આ દિવસો દરમિયાન પોતાના વતન નડિયાદમાં અને આ સંતરામ મંદિરમાં દિવ્ય ભવ્ય સાકરવર્ષા સમયે હાજર રહી હોતપ્રોત બન્યા છે. સાંજે 6 વાગ્યાના ટકોરે ભક્તો મંદિર પરિસરમાં જ્યાં જગ્યા મળી ત્યાં ગોઠવાયા હતા અને એ બાદ મહાઆરતી શરુ થઇ ત્યારે સૌકોઈ હાથ જોડી ભક્તિમાં લીન બન્યા હતા. આ બાદ ત્રણ વખત ઓમકાર પછી બે મીનીટ મૌન, મૌન બાદ પુન: ઓમકારના જય જય કાર થયો. ત્યારબાદ ‘જય મહારાજ’ના ગગનભેદી નાદ સાથે ગાદીના મહારાજશ્રી હસ્તે સાકરવર્ષા કરી આ પછી અન્ય ગાદીના કરમસદ, ,વડોદરા, પાદરા, કોયલી, રઢુ, ઉમરેઠ મંદિરના સંતો તથા નિજભકતો દ્વારા સાકરવર્ષા કરવામાં આવી હતી.
મહારાજશ્રીના લાખો ભક્તો ઉમટ્યા
આ સાકર મિશ્રીત કોપરાની પ્રસાદીને પોતાની હથેળીમાં જીલી હતી અને ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. નારાયણ દ્વારથી ગાદિ સ્થાન સુધી અંદાજિત 10 હજાર સ્ક્વેર ફુટ વિસ્તાર ભક્તોના ખીચોખીચથી ઉભરાયો હતો. આ ઉપરાંત બહાર પણ એટલી ભક્તો હાજર હતા અને સૌકોઈ આસ્થા અને શ્રદ્ધા સાથે આ ‘દિવ્ય સાકરવર્ષા’માં હોતપ્રોત બન્યા હતા.
150થી વધુ સ્વયંમસેવક દ્વારા જોળીમાં રહેલી સાકરને ઉછાળી
મંદિર પરિસરમાં અને બહાર ઠેકઠેકાણે પ્લેટફોર્મ ગોઠવાયા હતા અને અંદાજીત 150થી વધુ સ્વયંમસેવક દ્વારા જોળીમાં રહેલી સાકરને ઉછાળી હતી. જે પ્રસાદને ભક્તોએ ગ્રહણ કરી હતી. કેટલાક ભક્તોએ આ પ્રસાદીને ઘરે લાવ્યા હતા અને પોતાના પરિવારના સભ્યોને આપી હતી. તો કેટલાક NRI પરિવાર સાત સમંદર પાર આ પ્રસાદીને સાથે લઈ જશે.
પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો
આ સમયે મંદિર પરિસર ભક્તોથી છલકાયું હતું ત્યારે અને બહાર મેળાની જમાવટ હોય આ વચ્ચે નડિયાદ ડિવિઝન પોલીસે મંદિરમાં અને મેળામાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી કાયદો વ્યવસ્થાની સ્થિતી સંભાળી છે. જેમાં 1 ડીવાયએસપી, 5 પીઆઈ, 23 પીએસઆઇ, 240 પોલીસ કોન્સ્ટેબલ અને 1240 હોમગાર્ડનો સમાવેશ થાય છે.