Nadiad

નડિયાદના પાંચ હાટડીમાં ગૌ-કતલખાનું ઝડપાયું, પોલીસના દરોડાથી ચકચાર

રહેણાંક મકાનમાં છૂપી રીતે ગૌવંશની કતલ, ગૌમાંસનો જથ્થો અને સાધનો કબજે
(પ્રતિનિધિ) નડિયાદ, તા.17
નડિયાદ શહેરના સંવેદનશીલ ગણાતા પાંચ હાટડી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત ગૌવંશની કતલ થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઓચિંતો દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાંથી કતલ કરેલી હાલતમાં ગૌમાંસનો મોટો જથ્થો તેમજ કતલ માટે વપરાતા સાધનો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, નડિયાદ ટાઉન પોલીસને બાતમી મળી હતી કે પાંચ હાટડી મહોલ્લામાં કેટલાક શખ્સો દ્વારા છૂપી રીતે ગૌવંશની કતલ કરી તેનું ગેરકાયદે વેચાણ કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે કરાયેલા દરોડામાં પોલીસે માંસ કાપવા માટેની છરીઓ, કુહાડી અને વજન કાંટો સહિતનો સામાન કબજે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં ગૌવંશના અવશેષો મળતા હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ પોલીસે એફ.એસ.એલ.ની મદદથી માંસના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

Most Popular

To Top