નડિયાદ: પોષી પૂનમના પ્રસંગે નડિયાદનું આસ્થાધામ સંતરામ મંદિર લાંબા અંતરાલ બાદ ફરી એકવાર ‘જય મહારાજ’ના જયનાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. અનેક વ્યવસ્થાઓ છતાં મંદિરનું પરિસર શ્રદ્ધાળુઓથી છલકાઈ ઉઠ્યું હતું. નટપુરવાસીઓ સહિત આજુ-બાજુના ગામડામાં રહેતા લોકો પણ મોટી સંખ્યામાં રસ્તા પર બોરની ખરીદી કરતાં જોવા મળ્યાં હતા.
કોરોના જોખમને ધ્યાનમાં રાખીને આ વર્ષે સંતરામ મંદિર દ્વારા બોર ઉછામણી બંધ રાખવામાં આવી હતી. ભક્તોને જે પણ પ્રસાદી કે, બોર લાવે તેને કાઉન્ટર પર આપવા જણાવ્યું હતું. સાથે જ સૌ કોઈને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા જણાવ્યું હતું. પરંતુ સવારથી જ મંદિરમાં માનવ મહેરામણ ઉમટતાં વ્યવસ્થા સાચવી અઘરું સાબિત થયું હતું. તો બીજી તરફ નડિયાદ એકવાર ફરી ધબકતુ થયું હોવાનો અનુભવ થયો હતો.
બજારોમાં ભીડ ઉમટતા વેપારીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકો મોટી સંખ્યામાં બોરની ખરીદી કરતાં જોવા મળ્યાં હતા. જેના કારણે નડિયાદના રસ્તાઓમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. બાલકનજી બારીથી લઈને પારસ સર્કલ સુધી ટ્રાફિક જામ થઈ ગયું હતું.
જેને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા સતત પ્રયત્નો થઈ રહ્યાં હતા.આમ, લાંબા સમય બાદ સંતરામ મંદિરમાં કોઈ પર્વની ઉજવણી થતી હોવાથી રહીશોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જાણે સૌ કોઈએ કોરોનાના ભયને નેવે મૂકી દીધો હોય, તેવો માહોલ સર્જાયો હતો. બાળકોથી લઈને વૃદ્ધો સૌ કોઈ સંતરામ મંદિરમાં દર્શનનો લ્હાવો લેતા જોવા મળ્યાં હતા.
નડિયાદના સંતરામ મંદિરમાં પોષી પૂનમનું ખાસ મહત્વ જોવા મળે છે. ખાસ કરીને બોર ઉછામણીની પરપંરાને લઈને. કહેવાય છે, આ પ્રથા 200 વર્ષથી ચાલી આવે છે. જેની સાથે નડિયાદવાસીઓની ખાસ આસ્થા જોડાયેલી છે. દરવર્ષે દૂર-દૂરથી લોકો સંતરામ મંદિરમાં બોર ઉછામણીની માનતાને પૂરી કરવા માટે આવે છે અને સંતરામ મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.