Vadodara

નંબર પ્લેટ વગરની જીપમાં ભાજપના વડોદરા બેઠકના ઉમેદવારનો પ્રચાર



એક બિલ્ડરની ખુલ્લી જીપમાં પ્રચારમાં નીકળતા ઉમેદવારનો નિયમ ભંગ તંત્રની જાણમાં નથી?

લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યાંથી વડોદરા બેઠક માટે કોઈને કોઈ વિવાદ ચાલ્યા જ કરે છે. હવે ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી એક બિલ્ડરની હોવાની કહેવાતી નંબર પ્લેટ વગરની ખુલ્લી જીપમાં પ્રચારમાં નીકળતા નવા વિવાદનો જન્મ થયો છે. પ્રજાને સામાન્ય ગુનામાં દંડતા ટ્રાફિક પોલીસ, આરટીઓ અને ખાસ તો ચૂંટણી પંચના ધ્યાનમાં આ વાત કેમ ન આવી તે સવાલ પુછાઇ રહયા છે.

કોઈને કોઈ વિવાદ વડોદરા ભાજપનો કેડો છોડી રહ્યો નથી. રાજકારણમાં નવા નિશાળિયા હેમાંગ જોશીને ભાજપે ટિકિટ તો આપી દીધી પરંતુ હવે તેમને પ્રચારનું મેનેજમેન્ટ કરવામાં અડચણો નડી રહી છે અથવા તો પક્ષના ચૂંટણી વ્યૂહરચનાના નિષ્ણાત વરિષ્ઠ આગેવાનો તેમનો દાવ લઈ રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા પ્રચાર રેલી મોડી પહોંચતા વડીલ ધારાસભ્ય યોગેશભાઈ પટેલે ખેસ નહિ પહેરીને જાહેરમાં તેમની નારાજગી વ્યકત કરી હતી. ઉમેદવાર હેમાંગ જોશી કેટલાક ક્રિમીનલ રેકોર્ડ ધરાવતા લોકોને પ્રચારમાં સાથે રાખે છે તે બાબતે પણ પક્ષના કેટલાક સિનિયર આગેવાનોને અણગમો છે. આ બધા વિવાદો વચ્ચે એક નવો વિવાદ બહાર આવ્યો છે. હાલમાં હેમાંગ જોશી જે ખુલ્લી મહિન્દ્રા જીપમાં ફરી રહ્યા છે તે શહેરના એક ટાલવાળા બિલ્ડરની માલિકીની હોવાનું કહેવાય છે. પરંતુ આ જીપમાં નંબર પ્લેટ જ લાગી નથી. આ પ્રચાર જીપના ફોટો અને વીડિયો સોશિયલ મિડિયામાં પણ વાયરલ થઈ રહ્યા હોવા છતાં તંત્રના ધ્યાનમાં કેમ આવ્યા નહીં તે આશ્ચર્ય પમાડે તેવી બાબત છે. સામાન્ય માણસને નજીવી ભૂલ બદલ દંડ કરતી ટ્રાફિક પોલીસ, આરટીઓ અને ચૂંટણી પંચ આ ઉમેદવાર સામે કોઈ પગલાં કેમ નથી લેતા તે સવાલ લોકો પૂછી રહ્યા છે.

રજિસ્ટ્રેશન માટે એપ્લાય કરી દીધું છે: ડૉ. વિજય શાહ

શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે જણાવ્યું હતું કે, આ જીપ નવી જ ખરીદવામાં આવી છે, તેથી આરટીઓમાં હજુ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે. કદાચ એપ્લાઇડ ફોર રજિસ્ટ્રેશનનું સ્ટીકર ઉખડી ગયું હશે. હવે આ સ્ટીકર લગાવી દેવાયું છે.

નવા નિયમ મુજબ ડીલરે નંબર પ્લેટ સાથે જ વાહન આપવું પડે

શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ ભલે એમ કહેતા હોય કે એપ્લાઇડ ફોર રજિસ્ટ્રેશનનું સ્ટીકર લગાવ્યું છે, પણ નવા નિયમ મુજબ આ રીતે વાહન ફેરવવું પણ ગેરકાયદે છે. 2023નાં સપ્ટેમ્બરથી લાગુ થયેલા નિયમ મુજબ ડીલરે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરી નંબર પ્લેટ સાથે જ વાહન આપવું ફરજીયાત બનાવાયું છે. આવું નહિ કરવાના કિસ્સામાં ડીલર સામે પગલાં લેવાઇ શકે છે.

Most Popular

To Top