Business

નંદેસરીમાં કરોડોની ફેક્ટરી પચાવી પાડવા બોગસ દસ્તાવેજો બનાવી નાના ભાઇની ઠગાઇ

વડોદરા : મોટાભાઈ અને ચાર બહેનો સહિતના પરિવારજનોની મિલકતમાં હક ડૂબાડવા નાનાભાઈએ બનાવટી દસ્તાવેજી પુરાવા ઊભા કરીને કરોડો રૂપિયાની ફેક્ટરીમાં નામ ફેર કરાવી નાખીને વિશ્વાસઘાત કર્યો હતો. અલકાપુરી જેતલપુર રોડ ઉપર વેલકમ હોટલની પાછળ આવેલા મંગલ કિરણ એપાર્ટમેન્ટમાં રહેતા જિતેન્દ્ર જયંતીલાલ મોદી 1995થી મુંબઈ ખાતે વાલકેશ્વર રોડ સ્થિત અસ્મિતા બિલ્ડિંગમાં સ્થાયી થયા છે. તેઓએ નંદેસરી જીઆઇડીસીમાં આવેલો પ્લોટ નંબર ૧૨૪/૧૮-૧૯ ખરીદ કર્યો હતો. ફેકટરીમાં કેમિકલનો વ્યવસાય કરતા જીતેન્દ્રભાઈ ૨૦૨૦માં લોકડાઉન આવતા વડોદરામાં રોકાયા હતા અને જીઆઇડીસીની સાઈડના પ્લોટનું અપડેટ જોતા હતા.

ત્યારે તેઓને જાણ થઈ હતી કે પ્લોટ નંબર 124 /18 જયટીક ઇન્ટરમીડીએટ પ્રાઇવેટ લિમિટેડ નામેે તથા એક્સ 124 /19 ઉમેશ જે મોદીના નામે ટ્રાન્સફર થઇ ગયો હતો. ચોંકી ઉઠેલા પ્લોટના માલિકે જીઆઇડીસીની ઓફિસમાં જઇને તપાસ કરતા તેમના સગાભાઈ ઉમેશે બનાવટી દસ્તાવેજો ઉભા કરીને પ્લોટ ટ્રાન્સફર કર્યા હતા. 2012માં પણ ભેજાબાજ ઉમેશે ફેક્ટરી પોતાના નામે કરવા મુંબઈ રહેતા તેના પિતાને ફોર્મ મોકલાવ્યા હતા. જે તે સમયે પણ તેના પિતાએ સ્પષ્ટ ના પાડી ને જીઆઇડીસી કચેરીને પણ સ્પષ્ટ લેખિતમાં જાણ કરીને તાકીદ કરી હતી કે સહી સંમતિ વગર પ્લોટ ટ્રાન્સફર કરવા નહિ. જો કે 2015માં તેમના પિતા જયંતી ભાઈ નું અવસાન થતાંપૂર્વે તેઓએ છેલ્લુ વસિયતનામું બનાવ્યું સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે તમામ પુત્રીઓ અને નાના પુત્ર ઉમેશને જે કાંઈ આપવાનું તે આપી દીધું છે હવેથી આપવાનું રહેતુ નથી.

તેથી પાંચ બહેનો અને બે ભાઈઓ મા સૌથી નાના ઉમેશભાઈ એ પ્લોટ પચાવી પાડવા કાવતરુ રચ્યું હતું. ભેજાબાજ ઉમેશ એ સ્ટેમ્પ પેપર ખરીદીને   પેઢી નામાંમાં માતા ની મરણ તારીખ પણ ખોટી દર્શાવી હતી. અને બહેનો ને પણ નાની મોટી બતાવી હતી તથા તમામ ભાઈ બહેનોને ફોટા મેળવીને ખોટી સહીઓ કરી હતી તેમજ નોટરી પાસે હક્ક હિસ્સો રહેલ નથી એવા સંમતિ પત્ર પણ તૈયાર કરાવ્યા હતા. અને એડવોકેટ અને નોટરી વિપુલચંદ્ર મંજુભાઈ દરજી (રહે: ડી 17 ભક્તિનગર સોસાયટી. મહેશ કોમ્પલેક્ષ પાછળ વાઘોડિયા રોડ, વડોદરા) પાસે તમામ દસ્તાવેજી પુરાવા બનાવડાવીને નોટરાઈઝ  કરાવ્યા હતા. નંદેસરી પોલીસે સિનિયર સિટીઝનની ફરિયાદના આધારે ઠગ ભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

Most Popular

To Top