વાઘોડીયામાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા યોજાયેલા સમૂહલગ્ન કાર્યક્રમમાં દુષ્કર્મના આરોપી આકાશ ગોહિલના સન્માનનો વીડિયો વાયરલ થતા હંગામો મચી ગયો છે. આરોપ છે કે આકાશ ગોહિલ, જે ભાજપનો કાર્યકર હોવાનું કહેવાય છે, તાજેતરમાં જ જામીન પર છૂટી આવ્યો હતો. શહેરમાં એક તરફ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી ચાલી રહી છે, તો બીજી તરફ આવા લોકોનું સન્માન થતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં આકાશ ગોહિલને સ્ટેજ પર સન્માન આપવામાં આવતા અને નોટો ઉડાવતાં જોઈ શકાય છે. આ ઘટનાએ રાજકીય ગલિયારોમાં ઉથલપાથલ મચાવી છે. જ્યાં સામાન્ય નાગરિકોને કડક કાયદાની સામે ઊભા રહેવું પડે છે, ત્યાં શું રાજકીય જોડાણ ધરાવતા લોકો માટે અલગ નિયમો છે? આ વીડિયો સામે આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અગાઉ પણ ધારાસભ્યના કથિત પૂર્વ PA પર પણ દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો.
કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે આરોપ મૂક્યો કે, “બળાત્કારનો આરોપી ભાજપના ધારાસભ્યનો નજીકનો વ્યક્તિ છે, ભાજપની કહેવાતી નીતિઓ અને વાસ્તવિકતા વચ્ચે તફાવત છે.” તેમણે વધુ ઉમેર્યું કે, “ભાજપ દંભી દાવા કરે છે કે અસામાજિક તત્વો પર કાર્યવાહી થશે અને કોઈને છોડીશું નહીં, પરંતુ વાસ્તવમાં દુષ્કર્મના આરોપી આકાશ ગોહિલ વાઘોડિયાના ધારાસભ્યનો નજીકનો માણસ છે, અને તેને સમૂહ લગ્ન કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યો હતો.
